વડોદરા, તા.24 વડોદરા નજીક જાંબુવા નદીના બ્રિજ પર ફરી મોટા ગાબડા પડતા ભરૃચ-વડોદરા વચ્ચેના ટ્રાફિકજામમાં લોકો ફસાયા હતાં. જાંબુવાથી વરણામા વચ્ચે આશરે ૧૦ કિ.મી. સુધી વરસાદમાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. જાબુવા નદી પરના બ્રિજના ખાડા પૂરવાના દાવા વચ્ચે હજારો વાહનચાલકોએ ફરી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
જાંબુવા બ્રિજ નજીક રોડની પ્રોટેક્શન વોલની માટી પણ ધસી પડવાથી રોડની હાલત ખરાબ થઇ ગઇ હતી. વરસાદી પાણી ભરાવાથી મોટા ખાડામાં અનેક વાહનો ફસાતા વાહનોની ગતિને અસર પડી હતી. એક વાહનચાલકે આક્રોશ ઠાલવ્યો હતો કે સવારના આઠ વાગે ભરૃચથી નીકળ્યા છે પરંતુ બે કલાક થવા છતા હજી વડોદરા પહોંચ્યા નથી. પોર અને ઇંટોલા તેમજ વરણામા તરફથી આવતા વાહનના ચાલકોએ કહ્યુ હતું કે હવે તો આ રોજેરોજની સમસ્યા બની રહી છે.
ટ્રાફિકજામમાં કેટલાક ઇમરજન્સી વાહનો પણ ફસાઇ ગયા હતાં. જાંબુવા બ્રિજ પર થોડા સમય પહેલાં જ ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ વરસાદ પડતાં જ નેશનલ હાઇવે ઓથોરિટિની હલકી કામગીરી ખૂલ્લી પડી ગઇ હતી. વરસાદના એક ઝાપટામાં જ હાઇવે પર ગાબડા પડવા લાગતા હોય છે. નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિકજામના પગલે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જાંબુવા બ્રિજ પર ગાબડા પડવાના કારણે છેલ્લા બે માસમાં નવ વખત મેજર ટ્રાફિકજામ સર્જાયો છે. સૌપ્રથમ તા.૧૯ જૂનના રોજ ૧૫ કિ.મી. સુધીનો ટ્રાફિકજામ થયો હતો ત્યારબાદ તા.૨૬, ૨૮ અને ૨૯ જૂને પણ ટ્રાફિકજામમાં લોકો ફસાયા હતાં. આ ઉપરાંત તા.૨૩,૨૪ અને ૨૮ જુલાઇના રોજ ફરી ટ્રાફિકજામ થયો હતો જ્યારે ઓગસ્ટ માસમાં ગઇકાલે અને આજે ભારે જામમાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.