Tejaswi Yadav: રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે શુક્રવારે બિહાર માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું અને તેમના પત્નીનું નામ નથી. પટણામાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેજસ્વી યાદવે કહ્યું કે, ‘મેં બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન ગણતરી ફોર્મ ભર્યું હતું. પરંતુ મારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી. હું આગામી વિધાનસભા ચૂંટણી કેવી રીતે લડીશ?, તેમજ જ્યારે મેં ચૂંટણી પંચના પોર્ટલ પર મારો ECIP (ઇલેક્ટર્સ ફોટો ઓળખ કાર્ડ) નંબર RAB2916120 નાખીને સર્ચ કર્યું તો તેમાં મને કોઈ રેકોર્ડ મળ્યો નથી.
તેજસ્વી યાદવના આરોપ બાદ ચૂંટણી પંચે કર્યું ફેક્ટ ચેક
જોકે, ચૂંટણી પંચે તેજસ્વી યાદવના આ દાવા અંગે ફેક્ટ ચેક કરીને જણાવ્યું કે ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ સામેલ જ છે. ચૂંટણી પંચે મતદાર યાદીનું તે ફોર્મેટ પણ જાહેર કર્યું છે, જેમાં તેજસ્વી યાદવનો ફોટો, તેમનું નામ, ઉંમર, પિતાનું નામ અને મકાન નંબર લખેલા છે.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતાના આરોપો પર ચૂંટણી પંચે તરત જ ડેટા શેર કરતા કહ્યું, ‘તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. અમે યાદી શેર કરી છે અને તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ ધ્યાનથી તેમનું નામ જોઈ લે.’
ચૂંટણી પંચે જે રેકોર્ડ શેર કર્યો તેમાં તેજસ્વી યાદવનો ECIP નંબર RAB0456228 હતો. ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેજસ્વી યાદવનું નામ સીરીયલ નંબર 416 પર નોંધાયેલું છે.
આ પણ વાંચો: મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન
બિહારમાં મતદાર યાદીમાંથી 65 લાખ નામ દૂર થશે
બિહારમાં 24 જૂનથી શરૂ થયેલી SIR પ્રક્રિયા પછી, અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરે જાહેર થશે. ચૂંટણી પંચે 27 જુલાઈએ એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે, બિહારમાં 91.69% નોંધાયેલા મતદારોએ તેમના ગણતરી ફોર્મ જમા કરાવ્યા છે અને 1 ઓગસ્ટે પ્રકાશિત થનારા ડ્રાફ્ટમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવશે.
ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 24 જૂન, 2025 સુધીમાં 7.89 કરોડ મતદારોમાંથી 7.24 કરોડથી વધુ મતદારોએ ગણતરી ફોર્મ જમા કરાવ્યા હતા, જે SIR પ્રક્રિયામાં લોકોની મોટી ભાગીદારી દર્શાવે છે. આનો અર્થ એ છે કે 65 લાખ મતદારોના નામ 1 ઓગસ્ટની ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે નહીં. ચૂંટણી પંચે કહ્યું કે મતદાર યાદીમાં નામ ન હોવાના કારણોમાં મતદારનું મૃત્યુ, કાયમી સ્થળાંતર અને એકથી વધુ જગ્યાએ નોંધણી સામેલ છે.