તસવીર : IANS
India Rejects Pilot Blame in Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગરમાં 12મી જૂને થયેલા પ્લેન ક્રેશ મામલે હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી. જોકે પ્રાથમિક અહેવાલ પ્રસિદ્ધ થયા બાદથી જ દોષનો ટોપલો પાયલટ પર ઢોળવા પ્રયાસ કરાઇ રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકારે ફરી મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ રાજ્યસભામાં કહ્યું છે કે તપાસ સંપૂર્ણ રીતે ભારતમાં જ થઈ રહી છે અને પહેલી વખત બ્લેકબોક્સ પૂર્ણતઃ ભારતમાં જ ડીકોડ કરાશે.
પાયલટની ભૂમિકા પર સવાલ પાયાવિહોણા
રામમોહન નાયડુએ કહ્યું છે કે, AAIBએ બ્લેક બોક્સથી આખો ડેટા ડીકોડ કરી લીધો છે. પહેલા લાગી રહ્યું હતું કે ડેટા ખરાબ થઈ ગયો હશે. વિમાન દુર્ઘટનામાં પાયલટની ભૂમિકા પર મીડિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલ પાયાવિહોણા છે.
રાજ્યસભા સાંસદોએ કરેલા સવાલોનો જવાબ આપતા રામ મોહન નાયડુએ જણાવ્યું હતું, કે તપાસ ત્રણ તબક્કામાં ચાલી રહી છે. શું થયું, કેમ થયું અને કેવી રીતે થયું?
DGCAમાં 50 ટકા પદ ખાલી
રાજ્યસભામાં ચર્ચા દરમિયાન DGCAમાં ખાલી પડેલા પદો પર ભરતીને લઈને પણ સરકાર સામે સવાલ કરવામાં આવ્યા હતા. દાવો છે કે DGCAમાં 50 ટકા પદો ખાલી છે અને ભરતી થઈ રહી નથી. જેના પર જવાબ આપતા રામ મોહન નાયડુએ કહ્યું છે, કે જે પદો ખાલી છે તેમની રચના છેલ્લા બે વર્ષમાં જ કરવામાં આવી છે. તેમણે વહેલી તકે ભરતી કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
નોંધનીય છે કે વિદેશી મીડિયા અહેવાલોમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા પાયલટને જ શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે. ભારતના પાયલટ યુનિયને પણ તેનો કડક વિરોધ નોંધાવ્યો હતો. 12મી જૂને થયેલા પ્લેન ક્રેશમાં મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને હોસ્ટેલમાં ઉપસ્થિત લોકો સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.