Panchmahal News : ગુજરાતના પંચમહાલના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રેમીએ જ પરણિત પ્રેમિકાની હત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળે મૃતદેહ પાસેથી શ્રીફળ અને ફૂલ મળ્યા હોવાથી શંકાના આધારે ભૂવાની પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સમગ્ર મામલે પોલીસ આરોપી પ્રેમી ભૂવાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમીએ પરણિત પ્રેમિકાની કરી હતી
નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ‘પંચમહાલના શહેરા તાલુકાના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી પરણિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે મૃતદેહ પાસેથી શ્રીફળ અને ફૂલ મળી આવતા પોલીસે શંકાના આધારે માતરિયા ગામના ભૂવાની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં પ્રેમી ભૂવાએ જ પરણિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતું. પરણિતા પ્રેમી સાથે રહેવા માંગતી હતી, જે વાત પ્રેમીને સ્વીકાર્ય ન હોવાથી સાયકલના બ્રેક વાયરથી પ્રેમિકાના ગળાના ભાગે ફાંસો આપી ગંભીર ઈજાઓ પહોંચાડીને હત્યા નીપજાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.’
આ પણ વાંચો: પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં પંચમહાલના શહેરાના ડુમેલાવ ગામના જંગલમાંથી 30 વર્ષીય પરિણીતા રંજનબહેન કેવળભાઈ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પરણિતાને બાઈકના ક્લચ વાયરથી ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પરિણીતાની હત્યા કરીને હત્યારાએ મૃતદેહને ડુમેલાવના જંગલમાં આવેલી ખેત તલાવડીમાં ફેકી દીધો હતો. સમગ્ર મામલે શહેરા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે મૃતદેહ પાસે શ્રીફળ અને ફુલનો હારનો ટૂંકડો મળ્યો હોવાથી હત્યાનું રહસ્ય ઘેરાયું હતું.