શિકાર બંધ થયા પણ કમોત બંધ થવાનું નામ લેતું નથી! : દરેક સિંહો પર બાજ નજર રાખવામાં આવતી હોવાના વિધાનસભાના દાવાઓ વચ્ચે ટપોટપ થતાં કમોતથી સિંહ પ્રેમીઓમાં રોષ
જૂનાગઢ, : માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામમાં બે સિંહબાળના ખુલ્લા કૂવામાં પડવાથી કમોત થયા હતા. કુકસવાડા જવાના ડામર રસ્તાની બાજુમાં આવેલા ખેતરના ખુલ્લા કૂવામાં પાણી ભરેલું હતું અને પાણીમાં ડૂબી જવાથી સિંહના મોત થયાં હતાં. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે બંને સિંહબાળના મૃતદેહને બહાર કાઢી પીએમ સહિતની પ્રક્રિયા હાથ ધરી હતી.
સિંહો માટે ખુલ્લા કુવા, વીજ કરંટ સૌથી વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે. માળીયાહાટીના પંથકમાં થોડાક સમય પહેલા એકી સાથે ત્રણ સિંહના વીજ કરંટથી મોત થયાની ઘટના બની હતી. ત્યારબાદ વધુ એક વાર બે સિંહ બાળ ખુલા કૂવામાં પડી જતા કમોતને ભેટયા છે. ચોરવાડ નજીક આવેલા કુકસવાડા ગામની સીમમાં પાણી ભરેલા ખુલ્લા કૂવામાં ચારથી પાંચ માસના બે સિંહ બાળ પડી ગયા હતા. આ સમગ્ર મામલે ગીર પશ્ચિમના ડીસીએફ પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે ગત તા. 9 માર્ચના બે સિંહ બાળ કુવામાં પડી જવાથી મોત થયું હતું. ખુલ્લા કૂવામાં પડી જતા તેના મોત થયા હતા. આ અંગેની ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે બંને સિંહબાળના મૃતદેહને બહાર કાઢી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગને જ્યારે જાણ થઈ ત્યારે 8 થી 10 કલાક જૂનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું.
વર્ષ 2024માં સૌથી વધુ સિંહોના મોત થયાના ચોકાવનારો આંકડો સામે આવ્યો હતો. વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો દ્વારા સિંહોના કમોતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે વનમંત્રીએ દાવો કર્યો હતો કે સિંહોના શિકારની ઘટના સદંતર બંધ થઈ ગઈ છે પરંતુ સિંહોના શિકારની ઘટના બંધ થઈ પણ સિંહોના કમોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. અવારનવાર સિંહો ખુલ્લા કૂવામાં, વીજ કરંટમાં કમોતે મરી રહ્યા છે દર વખતની જેમ ફરીવાર દાવો કર્યો હતો કે રેડીયો કોલર, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક સિંહ ઉપર સતત અવલોકન કરવામાં આવતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે વનમંત્રીના દાવા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે, સિંહ ટપોટપો મરી રહ્યા છે. આ કમોતનો સિલસિલાની ઘટનામાં વનતંત્ર અને સરકારની આબરૂ ધુળધાણી થઈ રહી છે જેના કારણે સમગ્ર ઘટનાને ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. હવે ઘટના સામે આવતા વનતંત્રએ સમગ્ર મામલે ખુલાસો કરવાની ફરજ પડી હતી.