(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
કપાસનો સૌથી વધુ પાક લેતા ખેડૂતો સાથે કપાસની ખરીદીનો સોદો કરી લીધા બાદ ખેડૂત કપાસ અડધો ખાલી કરી દે તે પછી કપાસની ક્વોલિટી બરાબર ન હોવાનું જણાવીને મણે રૃા. ૨૦૦નો ભાવ ઘટાડી દઈને ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડામાં તો કોટન કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના અધિકારીએ ખેડૂતના કપાસના કુલ જથ્થામાંથી કેટલોક જથ્થો તેને લાંચ રૃપે આપી દેવાની માગણી કર્યાનો અને સીસીઆઈના એ અધિકારીને એન્ટિ કરપ્શન બ્યુરોમાં પકડાવી દેવાની ઘટના બની હોવાનું આજે ગુજરાત વિધાનસભામાં આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાઓ જણાવ્યું હતું.
ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની માગણીઓ અંગેની ચર્ચામાં બોલતા ઉમેશ મકવાણાઓ જણાવ્યું હતું કે ખેતીવાડી અધિકારીઓ ખેતરમાં સરવે કરવા માટે જતાં જ નથી. સરવે કર્યા વિના જ આ અધિકારીઓએ જણાવી દીધું છે કે બોટાદ કે ભાવનગર જિલ્લાના ખેડૂતોને કોઈ જ નુકસાન થયું નથી.
ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે ગૌશાળાને પ્રતિદિન પશુદીઠ આપવામાં આવતી રૃા. ૩૦ની સહાયમાં હવે વધારો કરવો જોઈએ. પશુ માટે રોજના રૃા.૧૦૦ની સહાય આપવી જોઈએ.
ગુજરાતની મંડીઓમાં વેપારીઓની કાર્ટેલ ખેડૂતોને રીતસર લૂંટી રહી છે વેપારીઓ કાર્ટેલ રચીને ખેતીની ઉપજના પૂરતા નાણાં ન મળે તેવી ગોઠવણ કરી રહ્યા છે. ખેડૂતો છ મહિનાની મહેનતને અંતે ન કમાય તેનાથી દસ ગણુ વધારે છથી બાર કલાલકની મહેનતમાં વેપારીઓ કમાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ બદલાય તો જ ખેડૂતોને ખરેખર તેમની ઉપજના તેમને મહેનત પ્રમાણેના ભાવ મળી શકશે.