આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કરી મુંબઈની બ્રાન્ચમાંથી શેર બ્રોકર હોવાની ખોટી ઓળખ આપી રોકાણ કરાવી નફા સાથેની રકમ કંપનીની વેબસાઈટ પર જમા દર્શાવી રૂ.580 કરોડ વિડ્રો કરવા સહિતના કારણોસર રૂ.46,60,90,029નું રોકાણ કરાવી રોકાણના રૂપિયા નફા સાથે પરત નહીં આપી છેતરપિંડી અંગેનો ગુનો ગાંધીનગર સીઆઇડી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નોંધાયો હતો. આરોપી મિલન મણિલાલ પટેલ રૂપિયા વિડ્રોવ કરતો હોય ગુનામાં સંડોવણી જણાતા પોલીસે તેની અટકાયત કરી હતી.મિલન ઊંઝા માર્કેટયાર્ડ ખાતે જીરુ વરિયાળી રોલિંગની દુકાન ધરાવે છે. દુકાન ખાતેથી અલગ અલગ વ્યક્તિઓના બેન્ક ખાતાઓ ખોલાવી રૂપિયા વિડ્રોવ કરી આંગણીયા મારફતે આરોપીઓને મોકલી આપી પોતાનું કમિશન મેળવતો હતો. મિલન પટેલે અન્ય આરોપીઓના ખાતામાં રૂ.95 લાખની રકમ જમા કરાવી હતી. વેબસાઈટો કોણે બનાવી ? છેતરપિંડીની રકમથી કોણે આર્થિક લાભ મેળવ્યો ? આરોપીના ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા હોય તે દિશામાં વધુ તપાસ અર્થે અદાલત પાસેથી આરોપીના આગામી તારીખ 7 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.