USA President Donald Trump Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સત્તા સંભાળ્યા બાદથી વિવિધ દેશો પર ટેરિફ બોમ્બ ફોડી રહ્યા છે. હાલમાં જ ભારત પર 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદવાની જાહેરાત કરી છે. આવો જાણીએ કે, ટ્રમ્પ કેવી રીતે ટેરિફની ગણતરી કરી છે. તેની કઈ ફોર્મ્યુલાના આધારે તેઓ ટેરિફ ઝીંકી રહ્યા છે.
ટેરિફની ગણતરી પાછળ સાદું ગણિત
થોડા સમય પહેલાં જ વ્હાઈટ હાઉસે રિપોર્ટ રજૂ કરી જણાવ્યું હતું કે, તે કેવી રીતે ટેરિફ નક્કી કરે છે. તે કોઈ મનમાનીભર્યુ પગલું નથી લેતી. પરંતુ ટેરિફની ગણતરી પાછળ એક સાદું ગણિત છે. જેના આધારે તે દેશો પર ટેરિફ નિર્ધારિત કરે છે.
આ રીતે નક્કી થાય છે ટેરિફ
જ્યારે ટ્રમ્પે 2 એપ્રિલના રોજ વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત કરી, ત્યારે એક ચાર્ટ બહાર પાડ્યો હતો, જેમાં માહિતી આપવામાં આવી હતી કે કયા દેશ પર કેટલો ટેરિફ લાદવામાં આવ્યો. અમેરિકાએ આ ગણતરી માટે એક ફોર્મ્યુલા પણ શેર કર્યો, જે એક જટિલ ગણિત જેવો છે. પરંતુ જો ફોર્મ્યુલા સમજો તો તે સાદુ ગણિત છે. ગણતરી માટે કોઈ ચોક્કસ દેશ સાથે અમેરિકાની ગુડ્સ વેપાર ખાધ લો, તેને તે દેશમાંથી થતી કુલ આયાત વડે વિભાજિત કરો અને બાદમાં તે સંખ્યાને બે વડે વિભાજિત કરો.
ઉદાહરણથી સરળતાથી સમજો
જો આપણે ચીન અને અમેરિકાના ઉદાહરણથી સમજીએ, તો ધારો કે અમેરિકાની વેપાર ખાધ 295 અબજ ડોલર છે. જ્યારે તે ચીન પાસેથી કુલ 440 અબજ ડોલરનો માલ ખરીદે છે. આવી સ્થિતિમાં, 295 ને 440 વડે ભાગવાથી 67% મળે છે. હવે જો આપણે તેને 2 વડે ભાગીએ, તો ચીન પર લાદવામાં આવેલ ટેરિફ 34 ટકા થશે. આ જ ગણતરીના આધારે ભારત પર પણ 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે.
વેપાર ખાધ: આયાત-નિકાસ વચ્ચેના તફાવતને વેપાર ખાધ કહે છે.