Tamilnadu BJP President News : તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનને હરાવવામાં નિષ્ફળ ભાજપે અંતે એઆઈએડીએમકે સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. એઆઈએડીએમકેએ ભાજપ સાથે જોડાણ કરવા માટે સૌથી પહેલાં તમિલનાડુ પ્રદેશ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈને વિદાય કરવામાં આવે એવી શરત મૂકી હતી. ભાજપે આ શરત સ્વીકારીને નરેન્દ્ર મોદીની તમિલનાડુ યાત્રા વખતે જ અન્નામલાઈ પાસેથી રાજીનામું લખાવી લીધું છે. એક-બે દિવસમાં તેની સત્તાવાર જાહેરાત કરી દેવાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. અન્નામલાઈએ જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવીને કશું ખોટું નહોતું કર્યું પણ ભાજપ અન્નામલાઈને પડખે ઉભા રહેવાની મર્દાનગી બતાવી શક્યો નથી.
એઆઈએડીએમકેના વડા એડાપદ્દી કે પલાનીસ્વામીએ અન્નામલલાઈને તમિલનાડુના રાજકારણથી દૂર રાખવાની શરત પણ મૂકી હોવાથી ભાજપ અન્નામલાઈને દિલ્હી લઈ જશે. અન્નામલાઈને નવા ભાજપ પ્રમુખની ટીમમાં રાષ્ટ્રીય મહામંત્રી બનાવાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે.
આઈપીએસ ઓફિસર રહી ચૂકેલા અન્નામલાઈએ 2023માં તમિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરસો સુધી એઆઈએડીએમકેનાં પ્રમુખ રહેલાં જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવ્યાં તેના કારણે એઆઈએડીએમકેને અન્નામલાઈ સામે વાંધો પડી ગયો હતો. એઆઈએડીએમકેએ આ મુદ્દે ભાજપ સાથેનું જોડાણ તોડી નાંખ્યું હતું. અન્નામલાઈએ પછીથી ગુલાંટ લગાવીને પોતાની વાતનું ખોટું અર્થઘટન કરાયું હોવાનો દાવો કર્યો હતો પણ એઆઈએડીએમકેએ ભાજપ સાથે જોડાણ તોડી નાંખ્યું હતું.
ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે એઆઈએડીએમકેના વડા એડાપદ્દી કે પલાનીસ્વામીએ આવતા વર્ષે યોજાનારી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ જોડાણ કરવા માગતો હોય તો અન્નામલાઈને હટાવવાની પૂર્વશરત મૂકી હતી. પલાનીસ્વામીએ કહ્યુ હતું કે, અન્નામલાઈ દ્વારા એઆઈએડીએમકેના નેતાઓની ટીકા કરીને તેમને અપમાનિત કર્યા તેના કારણે ૨૦૨૩ માં ભાજપ સાથેના સંબંધો તોડવા પડયા હતા.
અન્નામલાઈને 2021માં તમિલનાડુ ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પછી ભાજપે તમિલનાડુમાં ચૂંટણીમાં ખાસ ફાયદો નથી થયો પણ અન્નામલાઈએ આક્રમક વ્યૂહરચના દ્વારા ભાજપને જાણીતો કર્યો છે.
અન્નામલાઈને 2023માં એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત થયેલા ઇન્ટરવ્યુમાં, પૂછવામાં આવ્યું હતું કે, 1991થી 1996નો સમયગાળો રાજ્યમાં ભ્રષ્ટાચારની દ્રષ્ટિએ સૌથી ખરાબ હતો ?
અન્નામલાઈએ જવાબ આપેલો કે, તમિલનાડુમાં ઘણી સરકારો અત્યંત ભ્રષ્ટ હતા અને તેના પરિણામે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કારણે તમિલનાડુ ભારતના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાંનું એક બની ગયું હતું.
તમિલનાડુમાં 1991થી 1996ના સમયગાળા દરમિયાન, જયલલિતાના નેતૃત્વમાં એઆઈએડીએમકે સત્તામાં હતીં.