– કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો
– મોંઘવારી ભથ્થામાં બે ટકાની વૃદ્ધિથી કેન્દ્રીય તિજોરી પર વાર્ષિક 6614.04 કરોડ રૂપિયાનો બોજ પડશે
– 48.66 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને લાભ મળશે
– 2025ની ખરીફ સિઝન માટે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતરો પર રૂ.37216 કરોડની સબસિડીને મંજૂરી
નવી દિલ્હી : દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ૨ ટકાની વૃદ્ધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએમાં બે ટકા વૃદ્ધિનો લાભ એક જાન્યુઆરી, ૨૦૨૫થી આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ૧.૧૫ કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે.
કેબિનેટ બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ંકેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં અને કન્દ્રીય પેન્શનરોના ડીઆરમાં એક જાન્યુઆરી, ૨૦૨૫થી બે ટકાની વૃદ્ધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું ડીએ ૫૩ ટકા છે જે હવે વધીને ૫૫ ટકા થઇ જશે. કેબિનેટના આ નિર્ણયથી કેન્દ્રની તિજોરી પર વાર્ષિક ૬૬૧૪.૦૪ કરોડ રૂપિયાનો બોજ પડશે.
સરકારના આ નિર્ણયથી ૪૮.૬૬ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૬.૫૫ લાખ પેન્શનરોને લાભ મળશે. સાતમાં પગાર પંચની ભલામણોને આધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વૃદ્ધિ કરવામાં આવશે.
ંકેબિનેટે આજે ૨૦૨૫ની ખરીફ સિઝન માટે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતરો પર ન્યૂટ્રીઅન્ટ બેઝ્ડ સબસિડી (એનબીએસ)ને મંજૂરી આપી છે.
આ નિર્ણય હેઠળ સરકાર ખેડૂતોને યોગ્ય દરે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે ખરીફ ૨૦૨૫ (૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫) માટે ૩૭૨૧૬.૧૫ કરોડ રૂપિયાની સબસિડી પ્રદાન કરશે.
કેન્દ્રીય કેબિનેટે પેસિવ કે નોન સેમિકંડકટર ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ માટે ૨૨,૯૧૯ કરોડ રૂપિયાની સ્કીમને મંજૂરી આપી છે. આ સ્કીમને કારણે પેસિવ ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સના ઉત્પાદનને વેગ મળશે. સ્કીમને કારણે ૯૧,૬૦૦ લોકોને ડાયરેક્ટ રોજગારી મળશે અને ૫૯,૩૫૦ કરોડ રૂપિયાનું રોકાણ મળશે.
કેબિનેટે આજે બિહારમાં ચાર લેનવાળા પટણા સાસારામ કોરિડોર પ્રોજેક્ટને ૩૭૧૨.૪૦ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપી છે.
એક અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ કેન્દ્રીય કેબિનેટે આજે બિહારના કોસી-મેચી ઇન્ટ્રા સ્ટેટ લિંક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ૬૨૮૨.૩૨ કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટને માર્ચ ૨૦૨૯ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કેબિનેટે આ પ્રોજેક્ટને પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના એક્સેલેરેટેડ ઇરિગેશન બેનિફિટ્સ પ્રોગ્રામ (પીએમકેએસવાય-એઆઇબીપી) હેઠળ સામેલ કરવાનો નિર્ણય લીધો છે.