પુનાના પિતા-પુત્ર સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ : રાજકોટમાં સિમેન્ટ કંપનીના મેનેજરને આરોપીઓએ કોર્ટમાં ધમકી આપી, સેબીમાં ખોટા ઈ-મેઈલ કર્યાનો પણ આક્ષેપ
રાજકોટ, : કાલાવડ રોડ પરના પુષ્કરધામ નજીક આવેલ પ્રધ્યુમન રોયલ હાઈટસમાં રહેતાં અને રૈયા ટેલિફોન એક્ષચેંજ સામે નક્ષત્ર હાઈટસમાં વાસુકી સિમેન્ટ પ્રા. લી. નામની કંપનીની ઓફિસ ધરાવતાં બંકીમભાઈ કાંતીલાલ મહેતા (ઉ.વ. 40)એ સિમેન્ટ ગ્રાઈન્ડિંગની મશીનરી ખરીદવા માટે પુનાના બે આરોપીઓ જગદિશ ભક્તાવરમલ ચાંડાક અને તેના પુત્ર અદીતને રૂ. 5.50 કરોડ એડવાન્સ પેટે આપ્યા હતા. પરંતુ બંને આરોપીઓએ આજ સુધી મશીનરી કે રકમ નહીં આપી છેતરપીંડી કર્યાની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદમાં બંકીમભાઈએ જણાવ્યું છે કે તેણે ભાગીદાર રજનીકાંત જયંતીલાલ ઝાલરીયા સાથે કંપની શરૂ કરી હતી. સિમેન્ટનું પ્રોડકશન શરૂ કરવા માટે માળિયા-મિયાણાના વરસામેડી ગામે પ્લાન્ટ શરૂ કરવાનો હતો. જે માટે જરૂરી મશીનરી ખરીદવા જામનગરના સિક્કા ખાતે કમળ સિમેન્ટ ફેકટરીમા નોકરી કરતા જગદિશ સાથે ઓળખાણ થઈ હતી. જે પુનામાં ભાગીદારીમાં કિર્તી શ્રી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની ધરાવતો હતો. જેમાં સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીન બનાવતા હતા. જેમાં ડાયરેકટર તરીકે તેનો પુત્ર અદીત પણ હતો.
ર૦ર૧ની સાલમાં સિમેન્ટ ગ્રાઈન્ડિંગ મશીન ખરીદવા માટે બંને આરોપીઓ સાથે નોટરાઈઝડ કરાર કર્યો હતો. એટલું જ નહીં તેની કંપનીના બેન્ક ખાતામાંથી આરોપીઓની કંપનીના બેન્ક ખાતામાં કટકે-કટકે રૂ. 5.50 કરોડ જમા કરાવ્યા હતા. જેના બદલામાં આરોપીઓએ પોતાની કંપનીના કોરા ચેક આપ્યા હતા. એટલું જ નહીં જો આરોપીઓ મશીનરી પૂરી પાડી ન શકે તો ચેક દ્વારા પેમેન્ટ પરત કરવાની મૌખિક વાત કરી હતી.
ત્યાર પછી આરોપીઓને અવાર-નવાર મશીનરી પુરી પાડવા અગર તો રૂપિયા પરત આપવા કહેતા હતા. પરંતુ આરોપીઓ કાંઈ કરતાં ન હતા. આ પછી આરોપીઓ રાજકોટ ખાતે આવતા મિટીંગ થઈ હતી. જેમાં કરાર રદ કરવાનું નકકી થતાં તે મુજબનું લખાણ તૈયાર કરાવ્યું હતું. જેમાં આરોપીઓએ તેની કંપનીને રૂ. 5.75 કરોડ ચુકવવાના નીકળે છે તેવું સ્વીકાર્યું હતું. સાથો-સાથ રૂ. 40 લાખ તા. 19-7-2023સુધી આપવાના અને બાકીની રકમ તા. 23-12-2033 સુધીમાં આપવાનું નકકી થયું હતું.
ત્યાર પછી પણ આરોપીઓએ રકમ પરત કરી ન હતી. જેને કારણે નકકી થયા મુજબ આરોપીઓએ આપેલા ચેક બેન્કમાં જમા કરાવતા રીર્ટન થયા હતા. બાદમાં આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ફરિયાદ કરી હતી. તેની કંપનીના મેનેજર જસ્મીનભાઈ માઢક (રહે. નવલનગર)ને કોર્ટમાં કાર્યવાહી કરવા ઓથોરિટી આપી હતી. બંને આરોપીઓ ગઈ તા. 11ના રોજ કોર્ટમાં મુદતે આવ્યા હતા. તે વખતે તેની કંપનીના મેનેજર જસ્મીનભાઈ પણ કોર્ટ મુદતે ગયા હતા. કોર્ટની બહાર સીડી ઉતરતી વખતે બંને આરોપીઓએ જસ્મીનભાઈ સાથે બોલાચાલી કરી કહ્યું કે તમે લોકો આ કેસ પાછો ખેંચી લેજો, નહીંતર તને અને તારા શેઠમાંથી એકપણને જીવતા નહીં રહેવા દઈએ. વધુમાં બંને આરોપીઓએ કહ્યું કે આ સિમેન્ટની લાઈનમાં અમે ખુબ જ જૂના છીએ, તમને લોકોને હું સિમેન્ટનો ધંધો પણ કરવા નહીં દઉ. આટલેથી નહીં અટકતા બંને આરોપીઓએ તેની કંપની ખોટી હોવા અંગે સેબીમાં ખોટા ઈ-મેઈલ કર્યા હતા. એટલું જ નહીં જુદી-જુદી સરકારી કચેરીઓમાં તેની કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પત્રવ્યવહારો પણ કર્યા હતા. જેને કારણે આખરે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.