ગાંધીનગર એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને
રોડ સાઈડમાં કાર મૂકીને બુટલેગર ખેતરમાં નાસી છૂટયો ૧૨.૯૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની વધતી હેરાફેરી વચ્ચે
એલસીબી ટુની ટીમ દ્વારા ફિલ્મી ઢબે દારૃ ભરેલી કારનો પીછો કરીને તેને વાવોલ
પુન્દ્રાસણ માર્ગ ઉપરથી ઝડપી લેવામાં આવી હતી અને દારૃનો મોટો જથ્થો જપ્ત કરવામાં
આવ્યો હતો. જોકે બુટલેગર અંધારાનો લાભ લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં પોલીસ પણ
બાતમીદારોને સક્રિય કરીને આવા વાહનોને પકડી રહી છે. ગાંધીનગર જિલ્લામાં આ પ્રકારની
હેરાફેરી અટકાવવા માટે જિલ્લા પોલીસ વડારવિ તેજા વાસમશેટ્ટી દ્વારા આપવામાં આવેલી
સૂચનાને પગલે એલસીબી ટુના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમાર દ્વારા સ્ટાફના માણસોને
એલર્ટ રહીને આ દિશામાં કાર્યવાહી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે
એલસીબી ટુની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મહેસાણા તરફથી
અમદાવાદ જઈ રહેલી એક કારમાં વિદેશી દારૃનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે
બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા છત્રાલ પાસે બ્રિજ નજીક બેરીકેટીંગ ગોઠવીને કારની
રાહ જોવામાં આવી હતી અને બાતમીવાળી કરાવતા તેને ઉભી રહેવા ઈશારો કરવામાં આવ્યો હતો
પરંતુ ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી ન હતી અને ગાડી હંકારી મુકી હતી. કલોલ, સિંદબાદ, તેરસાપરા ચોકડી
અને પુન્દ્રાસણ ચોકડી થઈને ગાડી વાવોલ જતા રોડ પર સેફ્રોન હાઇટ્સ નજીક ચાલુ
હાલતમાં મૂકીને ચાલક ઝાડીઓમાં થઈને નાસી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી
દારૃ અને બિયરની ૬૨૪ જેટલી બોટલો મળી આવી હતી. જેથી દારૃ અને કાર મળીને ૧૨.૯૦
લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગરની શોધખોળ શરૃ કરવામાં આવી છે.