જામનગરમાં એપ્રિલ માસ શરૂ થતાં જ સુર્યદેવતાએ આકરો મિજાજ બતાવ્યો છે, અને આજે મૌસમનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. મહતમ તાપમાન 40 ડીગ્રીને પાર થઇ ગયો છે, જેથી લોકો બપોર દરમિયાન બીનજરૂરી ઘરમાંથી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાન અડધો ડીગ્રી ઉંચકાઈને 40 ડીગ્રીએ પહોંચી જતાં મૌસમનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું. એપ્રિલ માસના પ્રારંભથી જ સુર્યદેવતા કોપાયમાન રહ્યા છે. ત્યારે આજે મહતમ તાપમાન 40.0 ડીગ્રી અને લઘુતમ તાપમાન પણ વધીને 23.0 ડીગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 85 ટકા અને પવનની ગતિ પ્રતિકલાકના 10 થી 20 કી.મી.ની ઝડપે રહી હતી.
આકરા તાપથી લોકો ગરમીમાં અકળાઈ રહ્યા છે, અને શહેરીજનો બપોરના સમયે એસી રૂમમાં જ બેઠા રહે છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો બપોરના સમયે બીન જરૂરી ઘરમાંથી નિકળવાનું ટાળી રહ્યા છે. સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા જ લોકોને થોડી રાહત મળી રહેછે.