પૂર્વ સાંસદ પ્રજ્વલ કેદી નંબર 15528
રાત્રે ડોક્ટરોએ પ્રજ્વલ રેવન્નાનું ચેકઅપ કર્યું ત્યારે તેમની સામે ભાંગી પડયો હતો
બેંગલુરુ: કર્ણાટકના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા અપાઇ છે. પ્રજ્વલની આ સજાની શરૂઆત પણ થઇ ગઇ છે. તેને બેંગલુરુની જેલમાં રખાયો છે અને કેદી નંબર ૧૫૫૨૮ ફાળવવામાં આવ્યો છે.
પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વડા એચ ડી દેવે ગૌડાના પૌત્ર પ્રજ્વલે સજા મળ્યા બાદ પ્રથમ રાત જેલમાં વીતાવી હતી.
પ્રજ્વલ વારંવાર રડતો જોવા મળ્યો. શનિવારે મોડી રાત્રે તેનું સ્વાસ્થ્ય ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે મેડિકલ ચેકઅપ દરમિયાન પ્રજ્વલ ભાંગી પડયો હતો અને સ્ટાફને પોતાની વ્યથા કહી હતી.
પૂર્વ સાંસદ પ્રજ્વલને બેંગલુરુની જેલમાં ભારે સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો છે. ફાર્મહાઉસ પર કામ કરતી મહિલા પર પ્રજ્વલે વારંવાર બળાત્કાર કર્યો અને તેના અશ્લીલ વીડિયો પણ ઉતાર્યા. શુક્રવારે પ્રજ્વલને દોષિત ઠેરવાયો જ્યારે શનિવારે આજીવન કેદની સજા ફટકારાઇ હતી. પ્રજ્વલે ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે.