વડોદરા, તા.4 ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સસ્પેન્ડેડ ચાર ઇજનેરો તેમજ એક સ્વૈચ્છિક નિવૃત્ત ઇજનેર સામે લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોની સિટ દ્વારા આવક કરતા વધુ મિલકતો તેમજ સત્તાના દુુરુપયોગની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ મદદનીશ ઇજનેર જે.વી. શાહને આજે નિવેદન માટે એસીબી કચેરીએ સિટ સમક્ષ હાજર થવાનું જણાવતા તેઓ આજે હાજર થયા હતાં. સીટના સભ્યો દ્વારા આશરે સાડા છ કલાક સુધી જે.વી. શાહની પૂછપરછ કરવામાં આવી હતી. જે.વી. શાહ ક્યારથી વિભાગમાં ભરતી થઇ, કેટલા વર્ષ નોકરીમાં થયા તેમજ અગાઉ ક્યાં ક્યાં ફરજ બજાવી હતી તે અંગે વિધિવત પૂછપરછ હાથ ધરાઇ હતી.
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે સસ્પેન્ડેડ ઇજનેર જે.વી. શાહની મિલકતો અંગે પણ તપાસ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે એસીબીની સિટ દ્વારા અગાઉ સસ્પેન્ડેડ નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ અને આર.ટી. પટેલની પણ કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કાર્યપાલક ઇજનેર કમલેશ થોરાટ વિદેશમાં હોવાની જાણ થતાં એસીબી દ્વારા તે દિશામાં પણ પુરાવા મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.