વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવની પીએચડી ડિગ્રી બોગસ હોવાનો આક્ષેપ કરનાર પ્રોફેસર સતિષ પાઠક સામે ડો.શ્રીવાસ્તવે અમદાવાદના સોલા પોલીસ મથકમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે.ડો.શ્રીવાસ્તવનું કહેવું છે કે, મારી પીએચડી ડિગ્રી અસલી હોવાનું બુંદેલખંડ યુનિવર્સિટીએ વેરિફાય કર્યું છે.
એ પછી હવે પ્રો.પાઠકે ડો.શ્રીવાસ્તવે ખોટો બાયોડેટા રજૂ કરીને યુનિવર્સિટીમાં જે તે સમયે વાઈસ ચાન્સેલર તરીકે નોકરી મેળવીને યુનિવર્સિટી સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ મૂકીને સયાજીગંજ પોલીસ મથકમાં અરજી કરી છે.આ મામલામાં તેમણે ડો.શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ કરી છે.
પ્રો.પાઠકનું કહેવું છે કે, ૨૦૨૧માં ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર બનવા માટે જે બાયોડેટા રજૂ કર્યો હતો તેમાં પોતાના પ્રોફેસર તરીકેના અનુભવની ખોટી જાણકારી આપી હતી.બાયોડેટાની સાથે જરુરી દસ્તાવેજો રજૂ કર્યા નહોતા.ઉપરાંત બાયોડેટામાં ડો.શ્રીવાસ્તવે કામધેનુ યુનિવર્સિટી, પંડિત દિન દયાલ ઉપાધ્યાય યુનિવર્સિટી તથા ભરુચની એસવીએમઆઈટી કોલેજમાં પોતાના કાર્યકાળ અંગે જે જાણકારી આપી છે તે પણ ગેરમાર્ગે દોરનારી છે.સર્ચ કમિટિએ પણ જે તે સમયે બાયોડેટાની પૂરી ચકાસણી કેમ ના કરી તે પણ એક સવાલ છે.જોકે આ અરજી બાદ હવે પોલીસ પૂર્વ વાઈસ ચાન્સેલર સામે પોલીસ ફરિયાદ નોંધે છે કે કેમ તે જોવાનું રહે છે.
પૂછપરછના નામે બોલાવી કલાકો સુધી બેસાડી રાખ્યોઃ પ્રો.પાઠક
ડો.શ્રીવાસ્તવે નોંધાવેલી ફરિયાદ બાદ હરકતમાં આવી ગયેલી પોલીસે અમદાવાદથી વડોદરા ખાતે એમ.એસ.યુનિવર્સિટીમાં આવીને પ્રો.પાઠકની પૂછપરછ કરી હતી.આજે ફરી તેમને પૂછપરછ માટે અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા.પ્રો.પાઠકે આક્ષેપ કર્યો હતો કે, આજે પણ નિવેદન લેવાના બહાને મને પોલીસ કલાકો સુધી બેસાડી રાખ્યો હતો અને હજી ફરી આવવું પડશે અને કલાકો સુધી બેસવું પડશે તેવી ધમકી પણ આપી હતી.સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, સરકાર ડો.શ્રીવાસ્તવની તરફેણમાં પોલીસ પર રાજકીય દબાણ ઉભુંકરી રહી છે.