– રાજસ્થાનમાં પૂરની સ્થિતિ, મુખ્યમંત્રીએ એરીયલ સરવે કર્યો
– ઉત્તર પ્રદેશના 13 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ, તમામ મોટી નદીઓએ ભયજનક સપાટી વટાવતા તંત્ર એલર્ટ
– હિમાચલમાં નેશનલ હાઇવે સહિત 310થી વધુ રોડ બંધ રખાયા, અત્યાર સુધીમાં 103 લોકોના મોત, 36 હજુ પણ ગૂમ
નવી દિલ્હી : હવામાન વિભાગે ભારે વરસાદને લઇને દેશના આશરે ૧૨ જેટલા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો પણ સમાવેશ થાય છે કે જ્યાં સ્થિતિ વધુ કથળી રહી છે. ઉત્તર પ્રદેશના ૧૩થી વધુ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે, જ્યારે મુખ્ય નદીઓ જેમ કે ગંગા, યમુના અને બેતવાએ ભયજનક સપાટી વટાવી દીધી છે. વરસાદની ઘટનાઓમાં ઉત્તરાખંડમાં ત્રણ અને હિમાચલ પ્રદેશમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.
ઉત્તરાખંડમાં ડુબી જવાથી ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે હિમાચલ પ્રદેશમાં વાહન ખાઇમાં ખાબકતા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજસ્થાનમાં પણ પરિસ્થિતિ વધુ કથળેલી છે ખાસ કરીને માધોપુર જિલ્લામાં પૂર આવ્યું હતું, પરીણામે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોમવારે એરીયલ સરવે કર્યો હતો અને કેટલુ નુકસાન થયું છે તેની જાણકારી મેળવી હતી. ઉત્તરાખંડમાં સોમવારે ભાખરામાં ભારે કરંટને કારણે એક વ્યક્તિ તણાઇ ગઇ હતી. હલ્દવાણી રોડ પર રવિવારે ભુજિયાઘાટ પાસે બે લોકો ડુની ગયા હતા.
રૂદ્રપ્રયાગ જિલ્લામાં પહાડી વિસ્તારોમાં ભુસ્ખલનને કારણે અનેક દુકાનો દટાઇ ગઇ હતી, દેહરાદુનમાં ભારે વરસાદને પગલે સોમવારે પણ શાળાઓ બંધ રાખવી પડી હતી. હિમાચલ પ્રદેશના મંડીમાં વાહન ખાઇમાં ખાબકતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. હિમાચલમાં એક નેશનલ હાઇવે સહિત ૩૧૦ રોડ બંધ રાખવા પડયા હતા. શિમલા પાસે ભુસ્ખલન થતા રોડ જામ રહ્યા હતા જેથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. હિમાચલમાં ચોમાસુ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી વરસાદની વિવિધ ઘટનાઓમાં કુલ ૧૦૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ૩૬ લોકો હજુ પણ ગુમ છે.