અમદાવાદ,સોમવાર,4
ઓગસ્ટ,2025
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર કોર્પોરેશન દ્વારા રુપિયા ૧૯૭
કરોડની બેઝ પ્રાઈસ સાથે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવ્યુ છે.આ પાર્કિંગના પહેલા માળઉપર
આવેલી ૧૬ દુકાનો તથા પાંચમા માળ ઉપર આવેલ ૨૯ ઓફિસ ઓપન ટેરેસ સાથે વેચાણથી આપવા ૩
સપ્ટેમ્બરે હરાજી કરવામા આવશે.આ અગાઉ પાર્કિંગના ગ્રાઉન્ડ ફલોરની ૪૧૫૮ સ્કેવરમીટર
જગ્યા મણીધર ઈન્ફ્રાને રુપિયા ૮૦ કરોડથી વેચાણથી અપાઈ હતી.જેમણે માત્ર રુપિયા ૮
કરોડ કોર્પોરેશનમાં જમા કરાવી બાકીની રકમ ભરવા વધુ મુદત માંગતા સ્ટેન્ડિંગ કમિટીએ
દરખાસ્ત મંજુર કરી રાજય સરકારની મંજુરી માટે મોકલી આપી છે.
બોડકદેવ વોર્ડમાં આવેલા સિંધુભવન રોડ ઉપર
ટી.પી.સ્કીમ.નંબર-૫૦ના ફાયનલ પ્લોટ ૩૬૮ના ૮૯૪૫.૨૧ સ્કેવરમીટર એરીયામાં બે બેઝમેન્ટ
પાર્કિંગમાં ૭૫૦ ટુ વ્હીલર અને ૧૨૫ ફોર વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા સાથેના
પાર્કિંગ ઉપરાંત ગ્રાઉન્ડ ફલોર ઉપર કોમન પ્લોટ આવેલો છે.બીજા,ત્રીજા અને ચોથા
માળ ઉપર ૯૧ ફોર વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા સાથેના પે એન્ડ પાર્ક આવેલા છે. પાંચ
માળ તથા ઓપન ટેરેસ ધરાવતા મલ્ટિલેવલ પાર્કિંગના પહેલા માળનો બિલ્ટઅપ એરીયા ૩૪૭૦.૪૩
સ્કેવરમીટર એરીયામાં આવેલી ૧૬ દુકાન બ્લકમાં વેચાણથી આપવા પ્રતિ સ્કેવરમીટર રુપિયા
૧.૪૪ લાખ અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે.પાંચમા માળ ઉપર ૫૨૩૯.૮૬ સ્કેવર મીટર
બિલ્ટઅપ એરીયામાં ૨૯ ઓફિસ બનાવાઈ છે.જેનુ પણ બલ્કમાં વેચાણ કરાશે.જેના માટે પ્રતિ
સ્કેવરમીટર રુપિયા ૧.૨૭ લાખ અપસેટ વેલ્યુ નકકી કરવામાં આવી છે.પહેલા માળની મિલકતના
વેચાણથી કોર્પોરેશનને રુપિયા ૫૦ કરોડની આવક થવાનો અંદાજ છે.પાંચમા માળ ઉપર આવેલી
ઓફિસો ઓપનટેરેસે સાથે વેચાણથી આપવાથી કોર્પોરેશનને રુપિયા ૬૭ કરોડની આવક થવાનો
અંદાજ છે.આ અગાઉ ગ્રાઉન્ડ ફલોરનુ રુપિયા ૮૦ કરોડમાં કોર્પોરેશને વેચાણ કર્યુ
હોવાથી હવે પહેલા અને પાંચમા માળની મિલકતોના વેચાણથી રુપિયા ૧૧૭ કરોડ આવક થવાનો
અંદાજ મુકવામા આવ્યો છે. નોંધનીય છે કે,
વર્ષ-૨૦૨૩થી કોર્પોરેશન તરફથી સિંધુભવન મલ્ટિલેવલ પાર્કિંગની મિલકતો વેચવા
માટે આ ત્રીજી વખત હરાજી કરવામા આવશે.