વડોદરા,બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહીને ૩૯ લાખ પડાવી લેવાના ગુનામાં સામેલ અન્ય એક આરોપી હજી ધરપકડથી બચવા માટે નાસતો ફરે છે. બાપોદ પોલીસ તેને પકડવા માટે વતનમાં તપાસ કરવા જશે.
આજવા રોડ સરદાર સહકાર સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફરહીનબેન મલેકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ માં હું ખટંબા પાસે આવેલી બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી હતી. ત્યારે મારો પરિચય ગમેશ ડુંગરભાઇ રાઠવા (રહે. નિશાળ ફળિયા, તા.કવાંટ, જિ. છોટાઉદેપુર) સાથે થયો હતો. હું રક્ષાબંધનમાં તેને રાખડી બાંધતી હતી. અમારા પરિવારના સભ્યોને બરોડા ડેરીમાં નોકરી અપાવવાનુ ંકહીને ગમેશ તથા તેના સાળા મયંક પ્રવિણભાઇ રાઠવા (રહે. સ્વામિ નારાયણ સોસાયટી, પાવી જેતપુર, છોટાઉદેપુર) એ ભેગા મળીને ૩૯ લાખ પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે ગમેશની ધરપકડ કરી હતી.પરંતુ, મયંક રાઠવા હજી પોલીસ ધરપકડથી દૂર છે. તેને પકડવા તેના વતનમાં જવાની મંજૂરી મળી ગઇ હોઇ પોલીસની ટીમ ટૂંક સમયમાં તેને પકડવા પાવી જેતપુર જશે.