વડોદરાઃ શહેરમાં હજી પણ ડુપ્લિકેટ નોટોનું ચલણ ચાલી રહ્યું હોવાના કિસ્સા અવારનવાર બની રહ્યા છે.હાથીખાના વિસ્તારની એક કો ઓ બેન્કમાં આવી જ રીતે એક વેપારીના ભરણામાંથી ૫૦૦ ના દરની ડુપ્લિકેટ નોટો આવતાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.
હાથીખાના વિસ્તારની પ્રાઇમ કો ઓ બેન્કના બ્રાન્ચ હેડ યોગેશ જોષીએ પોલીસને કહ્યું છે કે,અમારી બેન્કમાં મહેશ ટ્રેડિંગ કંપનીના વાસુદેવ શાહનું વર્ષોથી એકાઉન્ટ છે.ગઇ તા.૨૮મી જુલાઇએ તેમની પેઢીના નિતીનભાઇ કપ્તાન રૃ.૨,૭૮,૮૦૦ ની રકમ ભરવા માટે આવ્યા હતા.
આ રકમ મશીનમાં ગણતરી માટે નાંખતા રૃ.૫૦૦ ના દરની ૧૩ નોટો ડુપ્લિકેટ જણાઇ આવી હતી.જેથી આ નોટોની અન્ય બ્રાન્ચના મશીનમાં પણ તપાસ કરાવતાં તે મશીને પણ ગણતરીમાં લીધી નહતી.
જાલી નોટોમાં એક સિરિયલ કોડ હતા. જ્યારે કેટલીક નોટોમાં સિરિયલ નંબર એક સરખા હતા.જેથી ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી આ નોટો આપી દેવામાં આવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.