Digital Fraud In India: દેશમાં ડિજિટાઈઝેશનના વધતાં વ્યાપની સાથે સાથે ડિજિટલ-સાયબર ફ્રોડનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. હાલમાં જ દેશમાં સૌથી મોટુ ડિજિટલ ફ્રોડ થયુ છે, તે પણ 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ સાથે. ચાર મહિલાઓએ એક 80 વર્ષના વૃદ્ધ પાસેથી બે વર્ષમાં 8.70 કરોડ રૂપિયા સાયબર ફ્રોડ મારફત પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. તેમને ફેસબુક પર એક મહિલા સાથે મિત્રતા કરવી ભાડે પડી છે.
શું હતો મામલો?
વૃદ્ધે ફેસબુક પર એપ્રિલ, 2023માં શારવી નામની મહિલા સાથે મિત્રતા કરી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત વધતાં વોટ્સએપ નંબરની અદલાબદલી થઈ હતી. શારવીએ જણાવ્યું હતું કે, તે પોતાના પતિથી અલગ પોતાના બાળકો સાથે રહે છે. ત્યારબાદ બંને વચ્ચે ઓનલાઈન પ્રેમ સંબંધ પાંગર્યો હતો. શારવી પોતાના બાળકોની સારવાર માટે અવારનવાર પૈસા માગતી હતી. વૃદ્ધ પણ તેની તમામ માગ પૂરી કરતો હતો. આ સિલસિલો ચાલુ જ હતો. ત્યારે વૃદ્ધની કવિતા નામની એક અન્ય મહિલા સાથે પણ વોટ્સએપ પર સંપર્ક થયો. આ મહિલા શારવીની મિત્ર હોવાનું જાણવા મળ્યું હતું. તેણે વૃદ્ધને કહ્યું હતું કે, હું તમારી મિત્ર બનવા માગુ છું. તેણે પર પોતાના બાળકોની સારવારના નામે વૃદ્ધ પાસેથી અનેક વખત રૂપિયા પડાવ્યાં.
આ પણ વાંચોઃ એમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓએ ભારત સાથે વેપાર અટકાવ્યો? ટ્રમ્પ ટેરિફની ‘ઈફેક્ટ’ નો દાવો
આંતરરાષ્ટ્રીય નંબર પરથી પણ મેસેજ
ડિસેમ્બર, 2023માં આંતરરાષ્ટ્રીય નંબર પરથી પણ વૃદ્ધને મેસેજ આવ્યો હતો. દિનાઝ નામની મહિલાએ પોતે શારવીની બહેન હોવાનું કહી વૃદ્ધ સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે, શારવીની મોત થઈ ચૂકી છે. હોસ્પિટલમાં તેની સારવારનો ખર્ચ ચૂકવવાનો બાકી છે. તેના માટે પૈસા આપો.
વૃદ્ધને આપી ધમકી
શારવી મૃત્યુ પામી હોવાથી વૃદ્ધે દિનાઝ પાસે પોતાના પૈસા પરત માગ્યા હતા. જો કે, તેણે શારવી અને વૃદ્ધ વચ્ચેની વાતચીતના સ્ક્રિનશોટ શેર કરી વૃદ્ધને ધમકી આપી કે, જો તમે પૈસા માગીને તેને હેરાન કરી તો હું આપઘાત કરી લઈશ. આ ઘટનાક્રમ દરમિયાન તેને જાસ્મિન નામની એક મહિલા સાથે સંપર્ક થયો. જાસ્મિને પણ વૃદ્ધ પાસેથી પૈસા પડાવ્યા. આ ચારેય મહિલાઓએ વૃદ્ધને બ્લેકમેઈલ કરી રૂ. 8.70 કરોડનો ચૂનો લગાવ્યો હતો. આટલેથી ન અટકતાં પૈસાની માગ ચાલુ રહેતાં અંતે વૃદ્ધે પોતાની પુત્રવધૂ પાસેથી રૂ. 2 લાખ ઉધાર લઈ આ ફ્રોડ મહિલાને આપ્યા હતાં.
પુત્રએ હિસાબ માગ્યો ત્યારે ફ્રોડનો ખુલાસો થયો
એક દિવસ અચાનક વૃદ્ધના પુત્રે પિતા પાસે રૂ. 5 લાખનો હિસાબ માગ્યો. અને પુત્રવધૂના પૈસાનું શું કર્યું તેનો પણ હિસાબ માગતાં અંતે વૃદ્ધે મૌન તોડ્યું હતું. તેણે પુત્રને સમગ્ર આપવીતિ જણાવી ત્યારે ખબર પડી કે, વૃદ્ધ સાથે સાયબર ફ્રોડ થયુ છે. એપ્રિલ, 2023થી જાન્યુઆરી, 2025 સુધી વૃદ્ધ છેતરાતા રહ્યાં. કુલ 734 ટ્રાન્ઝેક્શનમાં વૃદ્ધની મોટી જમાપૂંજી લૂંટી લેવામાં આવી.