Income-Tax Bill 2025 Withdrawn: ચાલુ નાણાકીય વર્ષના બજેટથી ચર્ચામાં રહેલું ઈન્કમ ટેક્સ બિલ 2025ને આજે લોકસભામાં પાછું ખેંચવામાં આવ્યું છે. આવકવેરાના કાયદાઓના સરળીકરણના ઉદ્દેશ સાથે ઈન્કમ ટેક્સ બિલ, 1961ના સ્થાને રજૂ કરવામાં આવેલી ઈન્કમ ટેક્સ બિલ 2025 રદ થયુ છે. તેમાં વધુ સુધારાની જરૂર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બિલ માટે બૈજયંત પાંડાના નેતૃત્વ હેઠળ ઘડાયેલી કમિટી હવે નવા સુધારા સાથેનું વર્ઝન 11 ઓગસ્ટના રોજ રજૂ કરશે.
કમિટીની ભલામણો અને મુખ્ય વાતો
- 1961ના જુના ઈન્કમ ટેક્સ એક્ટના સ્થાને નવુ બિલ લાવવાની જોગવાઈ
- 31 સભ્યોની કમિટીએ બિલ પર અનેક મહત્ત્વપૂર્ણ ભલામણો આપી
- કમિટીએ ધાર્મિક- અને અમુક સંસ્થાઓને મળતા ગુપ્ત દાન પર છૂટ રજૂ કરવાની ભલામણ કરી છે.
- કરદતાઓએ આઈટીઆર ફાઈલિંગની અંતિમ તારીખ બાદ પણ કોઈ પેનલ્ટી વિના ટીડીએસ રિફંડ ક્લેમ કરવાની મંજૂરી આપતી ભલામણ
એનજીઓને રાહત આપવાની જોગવાઈ
સરકારના આ નવા બિલમાં એનજીઓને મળતાં ગુપ્ત દાનને ટેક્સમાંથી બાકાત રાખવાની ભલામણ કરવામાં આવી છે. ધાર્મિક ટ્રસ્ટ માટે મળતુ દાન જ ટેક્સમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરી છે. જ્યારે આ ધાર્મિક ટ્રસ્ટ હોસ્પિટલ, શાળા અને અન્ય ચેરિટેબલ ગતિવિધિઓનું પણ સંચાલન કરે છે. ત્યારે તેને મળતાં દાન પર ટેક્સ લાગુ થશે.
એનપીઓ અને કરદાતાઓ માટે રાહતના સંકેતો
બૈજયંત પાંડાની આગેવાની હેઠળની આ કમિટીની ભલામણોને નવા બિલમાં સમાવવામાં આવે, તો તે વ્યક્તિગત કરદાતાઓ અને બિન-લાભકારી સંસ્થાઓ બંનેને રાહત આપી શકે તેમ હતી. જેમાં કર પ્રણાલીને સરળ બનાવવાની સાથે, આ સૂચનો ભારતની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને નાણાકીય સ્થિરતા પણ પ્રદાન કરવાની જોગવાઈ હતી. પરંતુ તેને પાછું ખેંચી તેમાં વધુ સુધારાની જરૂર હોવાના સંકેતો જણાઈ રહ્યા છે.