– ત્રણની લડાઈમાં ચોથો ફાવે, ‘સારો’ નહીં પણ ‘મારો’ આવે !
– આજે ભાજપનો સ્થાપના દિન : વિરોધી જૂથને હોદ્દા ન મળે તે માટે ખેલાતા દાવપેચ : સંકુચિત નેતાઓની સંકિર્ણ માનસિકતાથી પક્ષમાં મહત્વના હોદ્દાઓમાં મેરિટની અવગણના
ભાવનગર : ભાવનગર શહેર ભાજપમાં આમ તો નેતા એટલા જૂથ છે પરંતુ મુખ્યત્વે ત્રણ જૂથ એવા છે જે સત્તાકેન્દ્રી છે. જેના પરિણામે ત્રણની લડાઈમાં ચોથો ફાવી જાય છે અને ‘સારા’ને નહીં પણ ‘મારા’ને મહત્વના સ્થાને બેસાડી દેવામાં આવે છે. ભાજપના આ જૂથવાદના કારણે કેવળ પક્ષને જ નહીં પરંતુ ભાવનગરને પણ અકલ્પ્ય નુકસાન પહોંચ્યું છે. આવતીકાલ તા. ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિન છે પરંતુ ઉજવણીની પૂર્વ સંધ્યાએ પાયાના કાર્યકરોમાં ઉજવણીના ઉત્સાહનો સ્પષ્ટ અભાવ વર્તાય છે.
ભાજપ એટલે પાર્ટી વીથ ડિફરન્સ, ભાજપ એટલે કેડર બેઈઝ પાર્ટી.. આવું કહેવાતું રહ્યું છે. પરંતુ ભાવનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પક્ષના કોંગ્રેસીકરણના કારણે પાયાના કાર્યકરો વ્યથિત છે. ભૂતકાળમાં આ પાયાના પથ્થરો જેમની સામે વિચારધારાને લઈને જોમજુસ્સાથી લડયા હતા તેઓ આજે તેમના નેતા બની બેઠા છે અને બૌદ્ધિક આપે છે. જે કાર્યકરોએ કોઈ અપેક્ષા વગર પોતાનું સમગ્ર જીવન પક્ષને ઊભો કરવામાં અને આગળ લઈ જવામાં ખર્ચી નાખ્યું છે એ પાયાના કાર્યકરોની સરેઆમ અવગણના થઈ રહી છે. આ પીડા તેમને કોરી ખાય છે.
ભાવનગર શહેરમાં ભાજપના કાર્યકરોમાં ત્યાં સુધી ચર્ચાઈ રહ્યું છે કે, નેતાઓને ક્યા વિસ્તારમાં કોણ કોન્ટ્રાક્ટર છે તેની તો ખબર હોય છે પરંતુ પાયાના કાર્યકરો કોણ છે તેની જાણ સુદ્ધાં હોતી નથી. સંકુચિત નેતાઓની સંકિર્ણ માનસિકતા અને સ્વાર્થના કારણે પક્ષમાં મહત્વના હોદ્દાઓમાં મેરિટની સરેઆમ અવગણના થઈ રહી છે. કારણ કે, આ નેતાઓને ડર છે કે તેમનાથી વધુ સક્ષમ કાર્યકર ક્યાંક નેતા બની જશે તો ? એના લીધે પક્ષમાં જૂથવાદે માઝા મૂકી દીધી છે. આના પરિણામે પક્ષને વફાદાર કાર્યકરો તો સાવ કોરાણે મૂકાઈ ગયા છે અને નેતાઓને માખણ મારતા રહેનારા લોકો મહત્વના હોદ્દા ભોગવે છે. વિરોધી જૂથના નેતાઓને અને કાર્યકરોને મહત્વના હોદ્દા ન મળે તે માટે દાવપેચ ખેલાય છે. જૂથવાદે માત્ર પક્ષને જ નુકસાન નથી કર્યું પરંતુ શહેરને પણ અકલ્પ્ય નુકસાન કર્યું છે.
ભાજપના નેતાઓ વર્ષોથી ‘વિકાસ, વિકાસ’નો રાગ આલાપે છે, પરંતુ જ્યાં સુધી ભાવનગર શહેરના વિકાસને લાગેવળગે છે અને લોકોની સુખ સુવિધાને સબંધ છે ત્યાં સુધી એવું એકપણ ઉલ્લેખનીય કામ થયું નથી જેનું શ્રેય ભાજપના નેતાઓ ગૌરવથી લઈ શકે. ૪૫મા સ્થાપના દિનની ઉજવણી ભાજપ માટે ચિંતનનો અવસર બને તો અનાથી વધુ રૂડું શું ?