Ahmedabad Crime : અમદાવાદ શહેરના શેલામાં આવેલી સ્કાય સીટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા યુવકે અન્ય માથાભારે વ્યક્તિઓને ઉછીના નાણાં આપવાની ના પાડતા તેના અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જે અંગે બોપલ પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બોપલ પોલીસે સીસીટીવી ફુટેજ અને ફરિયાદીના નિવેદનના આધારે તપાસ શરૂ કરી :
શહેરના સ્કાય સીટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં ઘરઘાટી તરીકે કામ કરતા અર્જુન નનોમા શુક્રવારે તેના સાળા સાથે સાંજના સમયે સ્કાયસીટીમાં કામ માટે જતો હતો. ત્યારે આ વિસ્તારમાં જ કામ કરતા યોગેશ મીણા અને રાહુલ સરપોટાએ અર્જુન પાસેથી નાણાં માંગ્યા હતા. પરંતુ, અર્જુને નાણાં આપવાની ના કહેતા બંને ધમકી આપીને જતા રહ્યા હતા. અડધા કલાક બાદ યોગેશ મીણા અને રાહુલ તેમજ અન્ય નવ લોકો રીવેરા ઇલાઇટ એપાર્ટમેન્ટ ખાતે આવ્યા હતા અને તેમણે અર્જુન અને તેના સાળા પર પાઇપ, લાકડી, સળિયા અને વાયરથી જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં અર્જુન અને તેના સાળાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.