વડોદરા,રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ શહેરમાં ટ્રાફિક જામે ભરડો લીધો હતો. વાઘોડિયા રોડ, આજવા રોડ, દુમાડ ચોકડી, અમિત નગર, અક્ષર ચોક વિસ્તારમાં વધારે પડતા ટ્રાફિક જામથી સંખ્યાબંધ વાહન ચાલકો ફસાયા હતા. શહેરમાં એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. જેના પગલે ટ્રાફિક પોલીસ દોડતી થઇ હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો.
શહેરમાં ઠેર – ઠેર રોડ પર ખોદકામના કારણે એક તરફના રસ્તા બંધ છે. જેના કારણે સામાન્ય દિવસોએ પણ ટ્રાફિક જામ થતો હોય છે. આજે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ શહેરમાં સાંજના સમયે ટ્રાફિક જામથી ચક્કાજામ સર્જાયો હતો. લોકો સાંજના સમયે ખરીદી માટે નીકળ્યા હતા. કેટલાક સ્થળોએ રોડ પર જ રાખડી અને મિઠાઇના સ્ટોલ ઉભા કરી દેવાયા છે. જેના કારણે ખરીદી માટે લોકો રોડ પર જ વાહનો મૂકીને ખરીદી કરતા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. આ ઉપરાંત વારસિયા રિંગ રોડ અને ખોડિયાર નગર ન્યૂ વી.આઇ. પી.રોડ પર લાંબા સમયથી રોડના કામ ચાલતા હોઇ એક તરફના રોડ બંધ કરી દેવાયા છે. જેથી, વાહન ચાલકો ફસાઇ જતા હોય છે. બીજી તરફ વહેલા નીકળી જવાની ઉતાવળમાં કેટલાક વાહન ચાલકો પણ આડેધડ રીતે વાહનો ચલાવતા હોય છે. કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડ પણ વાહન ચલાવે છે. જેના કારણે સામાન્ય ટ્રાફિક જામ હેવી થઇ જાય છે.
ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકોએ કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ દોડતી થઇ હતી. ટ્રાફિક પોલીસનો સ્ટાફ અલગ – અલગ સ્થળે પહોંચી ગયો હતો. એક કલાકની ભારે જહેમત પછી પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો. જોકે, સંપૂર્ણ ટ્રાફિક હળવો થયો નથી.
હાઇવે પર પણ ટ્રાફિક જામ ઃ દુમાડ ચોકડીથી જાંબુવા બ્રિજ સુધી વાહનોની લાંબી કતાર
વડોદરા,
શહેર ઉપરાંત હાઇવે પર પણ ભારે ટ્રાફિક જામ થયો હતો. દુમાડ ચોકડીથી લઇને જાંબુવા બ્રિજ સુધી ૨૦ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો થઇ ગઇ હતી.દરેક ચાર રસ્તા પર ઓવર બ્રિજ બનાવ્યા હોવાછતાંય લાંબો ટ્રાફિક જામ થયો હતો. હાલોલથી વડોદરા આવતા વાહનો જરોદ ગામથી ગોલ્ડન ચોકડી સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. જાંબુવાના સાંકડા બ્રિજના કારણે તેમજ રોડ પરના ખાડાના કારણે અવાર- અવાર ટ્રાફિક જામ થતો હોય છે.
હાઇવેનો ટ્રાફિક સિટિમાં ડાયવર્ટ થતા સિટિમાં પણ ચક્કાજામ
વડોદરા,
શહેરમાં ટ્રાફિક જામની પાછળ હાઇવેનો ટ્રાફિક પણ કારણભૂત છે. હાઇવે પર જામ થતા લક્ઝરી બસો અને અન્ય વાહનો સિટિમાં આવ્યા હતા. પરંતુ, સિટિમાં અગાઉથી જ ટ્રાફિક જામ હતો જેના કારણે વધારે ટ્રાફિક જામ થયો હતો. પોલીસ દ્વારા હાઇવેના ટ્રાફિકના મોટા વાહનોને સિટિમાં આવતા રોકવા જોઇતા હતા. પરંતુ, તેવી કોઇ વ્યવસ્થા જ નહતી.