Gandhinagar News : ગાંધીનગર ખાતે થોડા દિવસો અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ગુજરાત ફિલ્મ અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવતા વિવાદ ઊભો થયો હતો. જ્યારે વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારે 26-27 માર્ચ દરમિયાન વિધાનસભામાં વિક્રમ ઠાકોર સહિત રાજ્યભરના 1000થી વધુ કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા હતા. જો કે, વિક્રમ ઠાકોર વિધાનસભા ન ગયા હતા. તેવામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી મારફતે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. જ્યારે હવે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ વિક્રમ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે, ‘મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં’.
વિક્રમ ઠાકોરે શું કહ્યું?
વિધાનસભામાં ન જવાને લઈને વિક્રમ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી કે, ‘આ મુદ્દો એ મારા એકલા માટે નહોતો ઉઠાવ્યો. પરંતુ ક્ષત્રિય સમાજ અને દરેક જ્ઞાતિના કલાકારો માટે ઉઠાવ્યો હતો. જો હું વિધાનસભામાં ગયો હોત તો લોકોમાં એવો મેસેજ બહાર આવત કે વિક્રમ ઠાકોરને પોતાનું સમ્માન કરાવવું હતું. મારે સન્માનથી દૂર રહેવું હતું. મારે દરેક પક્ષના નેતા સાથે સારા સંબંધો છે અને હંમેશા એ લોકો સાથે રહીશ.’
તેમણે કહ્યું કે, ‘રાજકારણથી નહીં પરંતુ કલાકાર તરીકે શુભેચ્છા મુલાકાત માટે કોઈપણ નેતા બોલાવશે તો જઈશ. દિલ્હી જવાનું થશે તો કેજરીવાલ, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અમિત શાહને પણ મળીશ. જ્યારે આપણા મુખ્યમંત્રીને પણ મળીશ. આમ દરેક પક્ષના નેતા સાથે સારા સંબંધ છે તો મળવામાં શું વાંધો છે. પણ એમાં રાજકરાણ ન હોવું જોઈએ. મે ઉઠાવેલા મુદ્દામાં રાજકરાણનો રંગ પણ લાગ્યો છે. પણ હાલ હું રાજકરાણમાં જોડાવવા નથી માંગતો.’
આ પણ વાંચો: કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત
રાજકારણમાં જવાને લઈને વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, ‘હા મને AAPના અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો હતો. તેમણે મારા ખબર અંતર પૂછ્યા હતા. સાથે દિલ્હી આવાનું થાય તો મળવા માટેનું આમંત્રણ પણ આપ્યું હતું. મને દરેક પાર્ટીના નેતાઓના ફોન આવતા હોય છે. હાલ મારો ઈરોદો કોઈ પાર્ટી સાથે જોડાવાનો નથી. હું કલાકાર છું, તમામ પાર્ટી મારા માટે એક સમાન છે.’