– ઓપરેશન સિંદૂર, ઓપરેશન મહાદેવ પછી
– 10 દિવસથી ચાલી રહેલા ઓપરેશનમાં કુલ બે આતંકી ઠાર, અનેક ડ્રોન-હેલિકોપ્ટરથી હજુ પણ શોધખોળ શરૂ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સામે લડતા લડતા વધુ બે જવાનો શહીદ થઇ ગયા હતા. જ્યારે ૧૦થી વધુ જવાનો ઘાયલ થયા છે. ર્દરમિયાન સૈન્યએ એક આતંકવાદીને પણ ઠાર માર્યો હતો. કુલગામમાં છેલ્લા ૧૦ દિવસથી આતંકીઓ સામે ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓની શોધખોળ માટે સૈન્ય હાલ ડ્રોન, હેલિકોપ્ટર સહિતના આધુનિક સાધનોની મદદ લઇ રહ્યું છે.
સુરક્ષાદળોએ ૧ ઓગસ્ટથી કુલગામના જંગલ વિસ્તારોમાં આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે શનિવારે નવમાં દિવસમાં પ્રવેશ્યું હતું. આ દરમિયાન એક સ્થળે આતંકીઓ અને સૈન્યના જવાનો બન્ને વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં બે જવાનો શહીદ થઇ ગયા છે. શહીદ જવાનોના નામ લાંસ નાયક પ્રિતપાલસિંહ અને સિપાહી હરમિંદરસિંહનો સમાવેશ થાય છે. બન્નેને શ્રદ્ધાંજલિ પાઠવતા સૈન્યએ ટ્વિટ કરીને કહ્યું હતું કે બન્ને જવાનોની શહાદત, સમર્પણ અને સાહસ આપણને હંમેશા પ્રેરિત કરતા રહેશે.
જમ્મુ કાશ્મીરના કુલગામના અખલ વન ક્ષેત્રમાં આતંકીઓ સામે હાલ જે ઓપરેશન ચાલી રહ્યું છે તે તાજેતરના વર્ષોનું સૌથી લાંબુ ઓપરેશન માનવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ બે આતંકીઓ આ ઓપરેશનમાં માર્યા ગયા છે. સૌથી પહેલા ૧ ઓગસ્ટના રોજ કુલગામના અખલના એક જંગલ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી સૈન્યને મળી હતી તે સમય જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. સૈન્ય હાલ પેરા કમાંડોની પણ મદદ લઇ રહ્યું છે. જ્યારે જંગલ વિસ્તારોમાં આતંકીઓને શોધવા માટે હેલિકોપ્ટર અને અનેક ડ્રોન તૈનાત કરાયા છે.
અખલ વિસ્તારમાં બહુ જ મોટી સંખ્યામાં આતંકીઓ છુપાયા હોવાની શંકા છે જેને પગલે જ છેલ્લા ૧૦ દિવસથી સૈન્ય અહીંયા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. સૈન્ય અને પોલીસના ટોચના અધિકારીઓ દરરોજ એન્કાઉન્ટર સાઇટની મુલાકાત લઇ રહ્યા છે. આટલા દિવસથી ઓપરેશન કેમ ચાલી રહ્યું છે તેવા સવાલના જવાબમાં ડીજીપી નલીન પ્રભાથે કહ્યું હતું કે અત્યંત ગાઢ જંગલ અને પહાડી વિસ્તાર હોવાને કારણે ઓપરેશનમાં વધુ સમય લાગી રહ્યો છે.