World Lion Day: વિશ્વ સિંહ દિવસ (10મી ઓગસ્ટ)ની ઉજવણી ગુજરાતમાં ભવ્ય અને ઉત્સાહપૂર્ણ રીતે થઈ રહી છે. એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીર અને આજુ બાજુના વિસ્તારોની ઓળખ ધરાવતા ગુજરાતમાં આજે સિંહોના સંરક્ષણ અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના બગસરાની વિવિધ શાળામાં વિશ્વ સિહ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
વિશ્વ સિહ દિવસની ભવ્ય ઉજવણી
અમરેલી જિલ્લાના બગસરા સહિત અન્ય તાલુકાની વિવિધ શાળાઓમાં આજે વિશ્વ સિંહ દિવસની રેલી સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજી હતી. વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને આ રેલીમાં ભાગ લીધો હતો.
સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો
ઉલ્લેખનીય છે કે, સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એશિયાઈ સિંહની વસ્તીમાં સતત વધારો થતો રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ1990માં ગુજરાતમાં 284 સિંહોની વસ્તી હતી. હવે વર્ષ 2025ની ગણતરી મુજબ તે વધીને અંદાજે 891 સુધી પહોંચી છે. વસ્તી વધતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ નોધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી
આજે સિંહ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. નાગરિકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ વધે, તેના સંરક્ષણ-સંવર્ધનમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ તેમજ સ્થાનિકોના સહિયારા પ્રયાસથી વર્ષ 2016થી દર વર્ષે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રકૃતિ-સિંહ પ્રેમીઓ તેમજ ગ્રામજનોની સહભાગીતાથી કરવામાં આવે છે.