– પાકિસ્તાન સાથે સરખામણીની ટ્રમ્પની ચાલમાં ભારતે ના ફસાવું જોઈએ
– ભારતીયોએ ત્રણેક વર્ષ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિની તૈયારી સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરવો જોઈએ : ઉદય કોટક
– ટેરિફ મુદ્દે હાલમાં યુરોપે અમેરિકા સામે નમતુ ઝોખ્યું જ્યારે રેર અર્થની તાકાતથી ચીન યુએસને નમાવી રહ્યું છે
નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા જેટલો જંગી ટેરિફ નાંખીને વેપાર સોદામાં પોતાની મરજી થોપવા દબાણ કર્યું છે અને ટ્રમ્પ પાકિસ્તાન સાથે ભારતની સરખામણી કરી રહ્યા છે ત્યારે ભારતે ટ્રમ્પની ચાલમાં ફસાવું જોઈએ નહીં. ભારતે રાષ્ટ્રીય હિત પર ધ્યાન આપવું જોઇએ અને આર્થિક શક્તિ બનવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. સાથે ભારતે ટ્રમ્પના અહંકાર સાથે વ્યૂહાત્મક રીતે વ્યવહાર કરવો જોઇએ તેમ કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક અને ડિરેક્ટર ઉદય કોટકે જણાવ્યું હતું.
કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક અને ડિરેક્ટર ઉદય કોટકે ચેતવણી આપી છે કે વૈશ્વિક તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતીયોએ આગામી બેથી ત્રણ વર્ષ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થવા માટે તૈયાર રહેવું પડશે. હાલના તબક્કે ભારતીયોએ સ્થાનિક અર્થતંત્રના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. અર્થતંત્રની દૃષ્ટિએ ભારતના વિકાસને વેગ મળે તે માટે દેશે હજુ ઘણુ અને ખુબ જ ઝડપથી કરવાની જરૂર છે. ભારતીયોએ રાષ્ટ્રીય હિતો અને દેશને આર્થિક શક્તિ બનાવવા પર ધ્યાન આપવું જોઈએ.
ઉદય કોટકે યુરોપનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘આપણે ટેરિફ મુદ્દે જોયું કે અમેરિકન પ્રમુખે યુરોપ સાથે ચર્ચા કરીને તેનો નાશ કેવી રીતે કર્યો. યુરોપે ઘણું જતુ કર્યું. યુરોપમાં અમેરિકન વસ્તુઓ પર ડયુટી ઝીરો ટકા કરી દેવામાં આવી, તેની સામે અમેરિકામાં યુરોપિયન માલ પર ૧૫ ટકા ડયુટી છે. મને નથી લાગતું કે આ બાબતથી યુરોપિયનો ખુશ છે, પણ તેમણે હાર માની લીધી છે. ટેરિફ મુદ્દે હાલના તબક્કે અમેરિકા સામે એક માત્ર ચીન જ છાતી કાઢીને ઊભુ છે. તેનું કારણ એ છે કે ચીન પાસે પોતાનો કંઈક પાવર છે. ચીન પાસે એવું રેર અર્થ છે, જેની અમેરિકાને વિશેષ જરૂર છે. આ રેર અર્થ વિના અમેરિકાનું સ્થાનિક અર્થતંત્ર ધીમુ પડી જશે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે પાવર તો પાવર જ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતે ખુબ જ ઝડપથી વૈશ્વિક સ્તરે પોતાનો પાવર ઊભો કરવાની જરૂર છે.
તેમણે ઉમેર્યું કે ભારતીયોએ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની જરૂર છે. ૧૯૯૨ના ઉદારીકરણના સમયને યાદ કરતા ઉદય કોટકે કહ્યું, ભારતીયો રાષ્ટ્રીય હિતોની માનસિક્તા અપનાવે તો નિશ્ચિતરૂપે આપણે આગામી પડકારોનો સામનો કરી શકીશું.
તેમણે જણાવ્યું કે, ટ્રમ્પ જાણે છે કે ભારતને શું ગમતું નથી. તેઓ સતત આ વાતને ઉછાળતા રહ્યા છે કે ભારત-પાકિસ્તાનને એક સાથે જોડીને જ જોવામાં આવે. કારણ કે તે જાણે છે કે ભારતીયોને શું પરેશાન કરે છે! આપણે તેમની વ્યૂહરચનામાં ના ફસાવું જોઇએ. તેમણે ઉમેર્યું કે, આપણે સ્પષ્ટ હોવા જોઇએ કે એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં આપણે નમતુ ઝોખવાનું છે અને કયા ક્ષેત્રો માટે મજબૂત અને અક્કડ વલણ અપનાવવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પનો અહંકાર ઘણો મોટો છે, કોઇએ તો એનું ધ્યાન રાખવું પડશે. આપણે સુનિશ્ચિત કરવું જોઇએ કે આપણે તેમની સાથે કેવી રીતે કામ પાર પાડી રહ્યાં છીએ જે આપણા સ્થાનિક ઉદ્દેશ્યો સાથે સુસંગત નથી. તેમના અહંકાર સાથે રમવું એ ચર્ચાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે