– ટેલિકોમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની ધમકાવ્યા હતા
– ઉધાર લઇને રૂપિયા આપ્યા હતા, હવે અમારું ધ્યાન રાખનારુ કોઇ નથી માટે જીવવાની ઇચ્છા નથી રહી : સુસાઇડ નોટ
– મૃતદેહને મેડિકલ કોલેજમાં દાન કરવા અને કોઇની સામે પગલા ના લેવાની પણ અપીલ કરતા ગયા
Bangalore Cyber Fraud News : કર્ણાટકના બેલગાવી જિલ્લાના ખાનપુરમાં એક વૃદ્ધ દંપતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યું હતું, જેમાં 50 લાખ રૂપિયા ગુમાવી દીધા હતા. આટલી મોટી રકમ ગુમાવવાનો આઘાત એટલો લાગ્યો હતો કે આ વૃદ્ધ પતિ-પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ લોકોમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓને લઇને રોષ વધી રહ્યો છે.
બેલાગાવી જિલ્લાના 82 વર્ષીય ડિયોગઝેરોન અને તેની 79 વર્ષીય પત્ની ફ્લાવિયાનાનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો છે. સાથે જ એક નોટ મળી આવી છે જેમાં મરતા પહેલા ડિયોગઝેરોને તમામ ખુલાસા કર્યા છે. આ નોટમાં સુમિત બિરા અને અનિલ યાદવ નામના બે વ્યક્તિનો ઉલ્લેખ છે. તેમણે લખ્યું છે કે સુમિતે મને ફોન કર્યો હતો અને દાવો કર્યો હતો કે પોતે દિલ્હીમાં ટેલિકોમ વિભાગમાં અધિકારી છે, અને મને કહ્યું હતું કે તમારા નામે એક સિમકાર્ડ ખરીદવામાં આવ્યું છે જેનો ઉપયોગ લોકોની સાથે ફ્રોડ કે છેતરપિંડી કરવા થઇ રહ્યો છે. બાદમાં તેણે ફોન અનિલ યાદવને આપ્યો હતો, અનિલે દાવો કર્યો હતો કે પોતે ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી છે. અનિલે બાદમાં મારી પાસેથી મારી સંપત્તિ અને નાણાકીય વિગતો માગી હતી.
સાથે જ 50 લાખ રૂપિયા માગ્યા હતા. મે લોન તેમજ અન્ય લોકો પાસેથી ઉધાર લઇને નાણા મોકલી આપ્યા હતા. જોકે તેમ છતા અમારી પાસેથી વધુ નાણા માગવામાં આવી રહ્યા હતા. હવે અમારી પાસે નાણા નથી અને અમારુ ધ્યાન રાખવાવાળુ કોઇ નથી માટે આ અંતિમ પગલુ ભરીએ છીએ. અમારા મૃતદેહને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ડિયોગઝેરોન મહારાષ્ટ્રના સચિવાયલમાં કર્મચારી હતા અને નિવૃત્ત થઇને પત્ની સાથે ગામમાં જીવત વિતાવી રહ્યા હતા. તેમણે ગળે અને કાંડા પર ચાકુ મારીને આત્મહત્યા કરી હતી જ્યારે તેમની પત્નીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મરતા પહેલા આ વૃદ્ધ દંપતીએ નોટમાં લખ્યું હતું કે અમારા આ પગલા માટે કોઇને પણ જવાબદાર ઠેરવવામાં ના આવે, હવે અમને જીવવાની કોઇ જ ઇચ્છા નથી રહી.