United Kingdom : ગેરકાયદે ઘૂસણખોરોને દેશનિકાલ કરવાના અમેરિકાના અભિયાનને અનુસરતું હોય એમ હવે યુનાઇટેડ કિંગડમે પણ આ બાબતે નવી નીતિ અપનાવી છે. યુકેના ગૃહ વિભાગે જાહેરાત કરી છે કે, અમે પહેલા ઘૂસણખોરોનો દેશનિકાલ કરીશું અને પછી અપીલની તક આપીશું. અગાઉ આ નીતિ 8 દેશ પર લાગુ હતી, પણ હવે એમાં 23 દેશોને આવરી લેવાશે, જેમાંનું એક ભારત પણ છે.
યુકેનો કડક સંદેશ
યુકે દ્વારા કડક સૂચના અપાઈ છે કે, અત્યાર સુધી વિદેશી ગુનેગારો અમારી ઇમિગ્રેશન પ્રણાલીને પોતાની સુવિધા મુજબ ખેંચતા આવ્યા છે, જેને લીધે તેઓ મહિનાઓ કે વર્ષો સુધી યુકેમાં રહી શકતા હતા. હવે આ નિયમોને બદલવાનો સમય આવી ગયો છે. કાયદાનો કડક અમલ થશે અને વિદેશી ગુનેગારો સામે ઝડપથી કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો : ટેરિફથી બ્લેકમેઈલ કરી સોયાબીન વેચવા માંગે છે ટ્રમ્પ! સૌથી મોટા દુશ્મન દેશને આપી ઓફર
પહેલા દેશનિકાલ પછી અપીલ
ગુનાઇત કૃત્ય માટે દોષિત ઠરેલા વિદેશી નાગરિકોને અપીલ કરવાની તક મળ્યા પહેલાં જ તેમના દેશ મોકલી દેવાશે. ત્યારબાદ તેઓ પોતાના વતનમાંથી વીડિયો લિંક દ્વારા અપીલ કરી શકશે. આંકડા કહે છે કે હાલમાં યુકેની જેલોમાં લગભગ 320 ભારતીય કેદ છે, જેમને આ નીતિ લાગુ પડશે.
કયા દેશોને આ નીતિ લાગુ પડશે?
અગાઉ આ નીતિ ફિનલૅન્ડ, અલ્બેનિયા, બેલીઝ, નાઇજિરિયા, એસ્ટોનિયા, મોરેશિયસ, ટાન્ઝાનિયા અને કોસોવો એમ 8 દેશને લાગુ પડતી હતી. હવે એમાં નવા દેશો ઉમેરાયા છે, જેમાં ભારત, અંગોલા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ગુયાના, ઇન્ડોનેશિયા, બોત્સ્વાના, બ્રુનેઈ, બલ્ગેરિયા, કેન્યા, લાતવિયા, લેબનોન, મલેશિયા, યુગાન્ડા અને ઝામ્બિયા પણ સમાવી લેવાયા છે. આમ, આ યાદીમાં હવે કુલ 23 દેશ આવરી લેવાયા છે.
આ પણ વાંચો : ટેરિફ વોર વચ્ચે UNSC બેઠકમાં ચીન અને અમેરિકા આમને સામને, પનામા પર નિયંત્રણ મામલે ભારે વિવાદ
હજુ વધુ દેશો પર આ નીતિ લાગુ કરાશે
યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, ‘અમે રાજદ્વારી સ્તરે પ્રયત્નો કરી રહ્યા છીએ કે વધુ દેશો આ યોજનામાં જોડાય, જેથી ગુનેગારોને તરત જ તેમના દેશમાં મોકલી શકાય. દેશનિકાલ કરાયેલા લોકો જો તેમની હકાલપટ્ટી સામે અપીલ કરવા ઇચ્છે, તો તેઓ તેમના વતનમાંથી સુરક્ષિત રીતે અપીલ કરી શકશે.’
નવી નીતિનો અમલ શા માટે?
યુકેમાં ગુનો આચર્યા પછી કોર્ટના નિર્ણય સામે અપીલ કરીને વર્ષો સુધી પડ્યા-પાથર્યા રહેનારા વિદેશી લોકોને રાખવાનો બોજ બ્રિટિશ કરદાતાઓ પર પડતો હતો, જેને લીધે હવે આ નવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે.
આ પણ વાંચો : પુતિન-ટ્રમ્પની મુલાકાત પહેલા જ વિવાદ! યુરોપ પણ ખુલીને યુક્રેનના સમર્થનમાં આવ્યું