નવી દિલ્હી : ભારતમાં વર્ષ ૨૦૨૫માં વેન્ચર કેપિટલ (વીસી) ફંડિંગની શરૂઆત સારી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન રોકાણના મૂલ્યોમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ ૪૦ ટકાનો ઉછાળો આવ્યો છે, જે વૈશ્વિક વલણોથી ઘણું આગળ છે.
ગ્લોબલડેટાના રિપોર્ટ મુજબ આ સમયગાળા દરમિયાન ડીલ વોલ્યુમમાં પણ ૧૧ ટકાનો વધારો થયો છે, જે દેશના ઈનોવેશન આધારિત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં રોકાણકારોના વધતા વિશ્વાસને રેખાંકિત કરે છે.
દેશમાં વેન્ચર કેપિટલ એક્ટિવિટીનો ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક સોદાના વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ નવ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક ભંડોળના મૂલ્યમાં તુલનાત્મક રીતે સાધારણ ૧૭ ટકાનો વધારો થયો છે.