– વર્ષ 2019 માં શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો
– બોટાદ કોર્ટે 56 દસ્તાવેજી અને 14 મૌખિક પુરાવાને ગ્રાહ્ય રાખી કેદની સાથે અર્ધો લાખનો દંડ પણ ફટકાર્યો
બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામે સવા પાંચ વર્ષ પૂર્વે ગાંજાના જથ્થા સાથે પકડાયેલા શખ્સને બોટાદ કોર્ટે ૧૦ વર્ષ સખત કેદની સજા અને અર્ધો લાખનો દંડ ફટકાર્યો છે.
પ્રાપત માહિતી અનુસાર ગઢડાના મોટી કુંડળ ગામની સાઢિયાધાર (પા) નામની ઓળખાતી સીમમાં ગત તા.૨૫-૧૨-૨૦૧૯ના રોજ બપોરના સમયે પોલીસે દરોડો પાડી ૨૨.૮૬૦૦ કિ.ગ્રા. લીલા અને સુકા ભેજવાળા ગાંજાના જથ્થા સાથે છગન બાલાભાઈ ઝાપડિયા (રહે, મોટી કુંડળ, તા.ગઢડા) નામના શખ્સને ઝડપી લઈ તેની સામે ગઢડા પોલીસમાં એનડીપીએસની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે કેસ બોટાદના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.કે. પ્રજાપતિની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે ૫૬ દસ્તાવેજી અને ૧૪ મૌખિક પુરાવાને ધ્યાને લઈ આરોપીની ભૂમિકા અંગેનો કેસ સાબિત થતા અને જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ જે.કે. પ્રજાપતિએ આરોપી છગન ઝાપડિયાને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૨૩૫ (ર) અન્વયે ધી નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રાપીક સબસ્ટન્સીસ એક્ટ-૧૯૮૫ની કલમ ૮ (બી) તથા કલમ ૮ (સી)ના ભંગ બદલ કલમ ૨૦ (એ) (બી) હેઠળ તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ સખત કેદનીસજા અને રૂા.૫૦,૦૦૦નો દંડ, જો આરોપી દંડ ન ભરે તો વધુ બે વર્ષનીસાદી કેદનીસજા ભોગવવા હુકમ કર્યો છે.