નવી દિલ્હી : છેલ્લા પાંચ વર્ષમાં ભારત ખાતેથી ફળોની નિકાસમાં ૪૭.૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે થયેલા મુકત વેપાર કરારને પરિણામે આ બન્ને દેશો ખાતે પણ ફળોની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. યુએઈ ખાતે ૨૭ ટકા અને ઓસ્ટ્રેલિયા ખાતે નિકાસમાં છ ટકા વધારો જોવા મળ્યો હોવાનું રાજ્ય કક્ષાના વાણિજ્ય પ્રધાન જિતિન પ્રસાદે રાજ્યસભામાં માહિતી આપી હતી.
ભારત ખાતેથી મુખ્યત્વે કેરી, દ્રાક્ષ, કેળા, સફરજન, પાઈનેપલ, દાડમ તથા કલીંગરની નિકાસ થાય છે. ફળોની એકંદર નિકાસ છેલ્લા પાંચ વર્ષમાં ૪૭.૫૦ ટકા વધી છે.
ફળોમાં પેસ્ટિસાઈડનું પ્રમાણ એકદમ નીચુ રહે તથા ફળોની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય સ્તરની રહે તે માટે સરકાર દરેક ખાતરી રાખે છે. ફળોની નિકાસ વધારવા અન્ય બજારોની પણ શોધ કરવામાં આવી રહી હોવાનું શ્રી. પ્રસાદે જણાવ્યું હતું.
દરમિયાન યુકે સાથેના સૂચિત મુકત વેપાર કરારને કારણે ભારતમાંથી ટેકસટાઈલ, જ્વેલરી, પ્રોસેસ્ડ એગ્રી પ્રોડકટસ વગેરેની નિકાસમાં વધારો થવામાં મદદ મળશે એમ તેમણે અન્ય એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.
૨૦૨૨થી યુકે સાથે શરૂ થયેલી વેપાર વાટાઘાટના અત્યારસુધી ૧૪ રાઉન્ડસ યોજાઈ ગયા છે.