Jamnagar Death Threat : લાલપુર તાલુકાના ભણગોર ગામે હાલ રહેતા અને જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા શખ્સએ નજરે જોનાર સાક્ષીને તેના સાળાના મોબાઈલ ફોન પર વ્હોટ્સએપ કોલમાં જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ અંગે લાલપુર પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતા પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા નામના યુવાને ગામના રાજદીપસિંહ જગદીશસિંહ જાડેજા નામના હાલ જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા શખ્સ સામે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં અગાઉ પ્રદ્યુમનસિંહ જાડેજાના કાકાના દીકરા વિરેન્દ્રસિંહ જાડેજાની હત્યા નીપજાવવામાં આવેલ હોય અને આ હત્યા કેસમાં હાલ જિલ્લા જેલ જામનગર ખાતે કાચા કામના કેદી તરીકે રાજદીપસિંહ જાડેજા નામનો શખ્સ સજા ભોગવતો હોય આ અત્યારનો બનાવ ગ્રીન પાન ખાતે જે તે સમયે બનેલ તે દુકાનના માલિક પંકજભાઈ રાયચુરાએ જોયેલ અને તેઓ નજરે જોનાર સાક્ષી તરીકે હોય જેઓને આ કેસમાં ગત તારીખ 14 ના રોજ મુદત હોય તેને આરોપીએ પોતાના સાળા હરપાલસિંહના મોબાઇલ ફોન ઉપર વ્હોટ્સએપ કોલમા “જો તું કોર્ટમાં સાક્ષી તરીકે જુબાની આપીશ અને મારું નામ બોલીશ તો મને સજા થશે અને સજા થશે તો પેરોલ ઉપર છૂટી જઈશ તને મારી કે મરાવી નાખીશ. મારી પાસે 50 વીઘા જમીન છે તે વહેંચીને પણ મરાવી નાખીશ એક ને મારી નાખવામાં પણ એટલી જ સજા છે અને ત્રણને મારી નાખવામાં પણ એટલી જ સજા પડે” તેમ જણાવી ખોટા પુરાવા આપવા સાહેદને મોબાઈલ ફોન ઉપર ધમકાવી પતાવી દેવાની ધમકી આપતા રાજદીપસિંહ જાડેજા સામે પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા એ લાલપુર પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.