EVM Voting Results Change After SC Recounting Order: દેશમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે ખુદ કોર્ટ પરિસરમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) મંગાવીને હરિયાણાના પાનીપત જિલ્લાના બુઆના લાખુ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીની મતગણતરી કરાવી. આ ગણતરી બાદ પરિણામો બદલાઈ ગયા અને મોહિત કુમારને ચૂંટાયેલા સરપંચ જાહેર કરવામાં આવ્યા. જણાવી દઇએ કે, 2 નવેમ્બર, 2022ના દિવસે સરપંચની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કુલદીપ સિંહ વિજેતા હતા. મોહિત કુમારે પરિણામને પડકારતા એડિશનલ સિવિલ જજ (સિનિયર ડિવિઝન) કમ ઇલેક્શન ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટ પહોંચી પંચાયતની ચૂંટણી
22 એપ્રિલ 2025ના દિવસે, ટ્રિબ્યુનલે બૂથ નંબર 69ની રિકાઉન્ટીંગનો આદેશ આપ્યો, જે 7 મે 2025ના રોજ ડેપ્યુટી કમિશનર કમ ચૂંટણી અધિકારી દ્વારા કરવાનો હતો. 1 જુલાઈ 2025ના દિવસે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો. ત્યાર બાદ, મોહિત કુમારે સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.
આ પણ વાંચોઃ આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે…!!! એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ
રિકાઉન્ટિંગનું કરાયું વીડિયો રેકોર્ડિંગ
31 જુલાઈ, 2025ના દિવસે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની ખંડપીઠે તમામ બૂથના મતોની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, પાનીપતના ડેપ્યુટી કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ 6 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે તમામ EVM સુપ્રીમ કોર્ટમાં લાવવા જોઈએ અને કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા રિકાઉન્ટિંગ કરાવવામાં આવે. સમગ્ર ગણતરી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ગત 6 ઓગસ્ટના દિવસે રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 3767 મતોની ગણતરી કરવામાં આવી હતી. મોહિત કુમારને 1051 મત અને કુલદીપ સિંહને 1000 મત મળ્યા હતા. બાકીના મત અન્ય ઉમેદવારોને મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના OSD (રજિસ્ટ્રાર) કાવેરીએ ગણતરી કરી હતી અને રિપોર્ટ પર બંને પક્ષોએ સહી પણ કરી હતી.
આ પણ વાંચોઃ હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ
સુપ્રીમ કોર્ટનો ચુકાદો
11 ઓગસ્ટ, 2025ના દિવસે, સુપ્રીમ કોર્ટે રિપોર્ટ સ્વીકારતા કહ્યું કે, ‘OSDના રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે સમગ્ર પ્રક્રિયાનું વિડીયોગ્રાફી કરવામાં આવ્યું હતું અને પ્રતિનિધિઓની સહી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું હતું.’
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો અને ડેપ્યુટી કમિશનરને બે દિવસમાં મોહિત કુમારને વિજેતા જાહેર કરતું જાહેરનામું બહાર પાડવાનો આદેશ આપ્યો. મોહિત કુમારને તાત્કાલિક પદભાર સંભાળવાની મંજૂરી આપવામાં આવી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વિવાદ બાકી હોય, તો તેને ચૂંટણી ટ્રિબ્યુનલ સમક્ષ ઉઠાવી શકાય છે.