CBI પાસે તપાસ કરાવવાની માગણી સાથે ટિવટર ઉપર હેશટેગ જસ્ટિસ ફોર રાજકુમાર ટ્રેન્ડ કરી રહ્યું છે : પહેલા અને બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાની સંખ્યા અંગે અનેક વિસંગતતાઓ
રાજકોટ, : ગોંડલમાં રહેતાં અને યુપીએસસીની તૈયારી કરતાં રાજકુમાર જાટ નામના યુવાનની આવતીકાલે રાજસ્થાનના જયપુરમાં શ્રધ્ધાંજલી અને આક્રોશ સભા યોજાવાની છે. જેમાં ન્યાયની અને સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માંગ દોહરાવાશે.
જયપુરના શહિદ સ્મારક પાસે આવતીકાલે સવારે 11 વાગ્યાની આસપાસ મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે. જેમાં રાજસ્થાનના ઘણાં ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત વિદ્યાર્થી આગેવાનો ભાગ લે તેવી સંભાવના છે.
તે પહેલા ટિવટર ઉપર હેશટેગ જસ્ટિસ ફોર રાજકુમાર ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં જાટ સમાજના અને અન્ય લોકોએ મોટી સંખ્યામાં ટ્વીટ કર્યા છે. અનેક ટિવટર યુઝરે આ કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માગણી દોહરાવી છે. એક યુઝરે લખ્યું છે કે આ હત્યાકાંડમાં સરકાર દ્વારા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે, જે કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે. બીજા યુઝરે લખ્યું છે કે એક ગરીબ પરિવાર પાસેથી તેનો પુત્ર છીનવી લેનારાઓને જેલના સળિયા પાછળ પહોંચાડવા જોઈએ.
આમાંથી ઘણા ટિવટ પીએમઓ ઈન્ડિયા, એચએમઓ ઈન્ડિયા, સીએમઓ ગુજરાત વગેરેને પણ ટેગ કરવામાં આવ્યા છે.
બીજી તરફ એવી માહિતી મળી છે કે મૃતક રાજકુમારના સિંગલ ડોકટર દ્વારા થયેલા પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક નિષ્ણાંત તબીબો દ્વારા થયેલા પોસ્ટમોર્ટમમાં ઈજાની સંખ્યા અંગે ખુબ જ વિસંગતતા જોવા મળી રહી છે. જોકે આ બાબતે પોલીસ મગનું નામ મરી નથી પાડી રહી. ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ કરેલા પોસ્ટમોર્ટમમાં ૪ર ઈજાના નિશાન મળ્યાનું જણાવાયું છે.
આ સ્થિતિમાં બસની ટક્કર વાગવાથી આટલી બધી ઈજાઓ કઈ રીતે શકય બને તે બાબતે ખુદ ઘણાં ડોકટરો પણ સવાલો ઉઠાવી રહ્યા છે. પરંતુ પોલીસને તેમાં કાંઈ અજુગતું લાગતું નથી. આ જ કારણથી પોલીસ હજૂ પણ રાજકુમારનું મોત ખાનગી બસની ટક્કર વાગવાથી થયાની વાતને વળગી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકુમારના મોતને લઈને રાજસ્થાનના જાટ સમાજમાં તિવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના જ બે સાંસદોએ આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવ્યો હતો. રાજસ્થાનના અનેક ધારાસભ્યો આ કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે. મૃતકના પિતા રતનલાલ જાટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર સામે આક્ષેપો કરતા રાજયભરમાં આ કેસ ચર્ચાસ્પદ બન્યો છે. આ કેસમાં પોલીસે કરેલી તપાસ સામે પણ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.