Jammu And Kashmir Kishtwar Cloudburst: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે બપોરે ભયાનક કુદરતી હોનારત સર્જાતાં 33 લોકોના મોત થયા છે. ચિશોતી ગામમાં આભ ફાટતાં આખે આખું ગામ તણાઈ ગયું હતું. લોકોની વર્ષોથી મહેનત કાટમાળમાં ફેરવાઈ હતી. મચેલ માતાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા, ત્યારે અચાનક આભ ફાટતાં આંખના પલકારામાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભુસ્ખલન અને પૂરની સ્થિતિમાં જનજીવન ખોરવાયું છે.
આ દુર્ઘટનાના અનેક વીડિયો વાયરલ થયા છે. જેમાં જોવા મળે છે કે, કેવી રીતે પહાડ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ગામને ઝપેટમાં લઈ રહ્યો છે. આ પૂરમાં ઘર, ગાડી, દુકાનો, રસ્તાઓ સહિત બધું જ તણાઈ ગયું છે.
લોકો અને સુરક્ષાકર્મી સતત લોકોને બૂમો પાડી રહ્યા છે કે, પાછળ હટો… અહીંથી દૂર જતાં રહો… સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા દોડી રહ્યા હતા. ઘણા પરિવાર વિખૂટા પડી ગયા.
33 લોકોના મોત, 200થી વધુ ગુમ
સત્તાવાર માહિતી અનુસાર, આ વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. જ્યારે 200થી વધુ લોકો ગુમ છે. 120 લોકો ઈજાગ્રસ્ત છે, જેમાં 37ની સ્થિતિ ગંભીર છે. આ પૂરમાં 9500 ફૂટ ઊંચાઈએ આવેલા મચેલ માતાના મંદિરની તરફ જતો રસ્તો પણ તણાઈ ગયો છે.
દુર્ઘટના બાદ ડેપ્યુટી કમિશ્નર પંકજ કુમાર શર્મા અને એસએસપી કિશ્તવાડ ઘટનાસ્થળે પહોંચી રાહત-બચાવ કામગીરી શરુ કરી હતી. એનડીઆરએફની બે ટીમ, એસડીઆરએફ, સેના અને પોલીસના જવાનો પણ રાહત-બચાવ કામગીરીમાં જોડાયા છે. સતત થઈ રહેલું ભૂસ્ખલન અને પૂરના પાણીના પ્રવાહના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.
મચેલ માતાની યાત્રા હાલ સ્થગિત કરવામાં આવી છે. ગામમાં કાટમાળ દૂર કરવા, ગુમ લોકોને શોધવા અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડવાનું કામ યુદ્ધસ્તરે ચાલુ છે. પહાડી વિસ્તાર, તૂટેલા માર્ગોના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.