– ગોલ્ડ લોન બંધ કરાવવાની વાતોમાં ભેળવીને ચોરી કરી
– મહિલા નજર ચૂકવી ૬.૯૪ લાખના સોનાના દાગીના સહિતની મતા ચોરી ફરાર થઇ ગઇ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી કેનેરા બેન્કમાં એક ગ્રાહકની નજર ચુકવી એક મહિલા સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરી નાસી છુટી હતી. જે અંગે બેંન્કના મેનેજરે એ-ડિવીઝન પોલીસ મથકે ચોરી કરનાર મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ટી.બી.હોસ્પીટલ પાછળ રહેતા અને કન્યા શાળા સામે આવેલા કેનેરા બેંન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ફરિયાદી મુકેશકુમાર પ્રકાશચંદ્ર બારોલીયા પોતાની ચેમ્બરમાં બેન્કમાં કામ કરી રહ્યાં હતાં તે દરમિયાન બેન્કના જુના ગ્રાહક મુબારકભાઈ મુસાભાઈ નોઈડા (રહે.સુરેન્દ્રનગર)એ એક વર્ષ પહેલા સોનાના દાગીના પર ગોલ્ડ લોન મુુકી હતી. જે રીન્યુ કરાવા તેમજ લોન પેટે મુકેલા સોનાના દાગીના આપવા આવ્યા હતા અને ગ્રાહકના સોનાના દાગીના ફરિયાદીના ટેબલના ડ્રોવરમાં રાખ્યા હતા એક મહિલાએ ફરિયાદીની ઓફિસમાં આવી પોતાનું નામ ભાવનાબેન બળદેવભાઈ બારોટ જણાવી બેન્કમાંથી લીધેલી ગોલ્ડ લોન બંધ કરાવવા અંગે વાતચીત કરી રહ્યાં હતાં. તે સમયે નજર ચુકવી ગ્રાહક મુબારકભાઈના સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરી મહિલા નાસી છુટી હતી.
જે સમગ્ર ઘટના બેન્કના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જે મામલે બેન્કના મેનેજર ફરિયાદીએ એ-ડિવીઝન પોલીસ મથકે મહિલા ભાવનાબેન બળદેવભાઈ બારોટ રહે.અમદાવાદ સામે સોનાના હાર, બુટ્ટી, કાનમાં પહેરવાની શેર સહિતના દાગીના કુલ કિંમત રૂા.૬,૯૪,૧૯૨ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.