
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે રમાયેલ અંડર – 13 તથા 11 બોયઝ અને ગર્લ્સની ચાર ફાઇનલ મેચોમાં કર્ણાટકના એમ. સિદ્ધાંથ , પશ્ચિમ બંગાળની દેવાંશી ચક્રવર્તી, પશ્ચિમ બંગાળના રાજદીપ બિસ્વાસ અને મહારાષ્ટ્રની આધ્યા બાહેટીનો ભવ્ય વિજય થતા પુરસ્કાર એનાયત કરાયા હતા.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા.8થી 15 ઓગષ્ટ દરમ્યાન યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ 12 કેટેગરીની 3500 મેચો રમાઈ હતી. સ્પર્ધાના અંતિમ દિવસે રમાયેલ અંડર-13 સિંગલ્સની ફાઇનલમાં કર્ણાટકના એમ. સિદ્ધાંથ અને પશ્ચિમ બંગાળની દેવાંશી ચક્રવર્તીએ જીત હાંસિલ કરી હતી. “બેટલ ઓફ ધ લેફ્ટ હેન્ડર્સ” ફાઈનલમાં સિદ્ધાંથએ પશ્ચિમ બંગાળના રાજદીપ બિસ્વાસને 3-0થી હરાવ્યો હતો. દેવાંશીએ પોતાની સાથી ખેલાડી તિતાશ ચેટર્જીને 3-1થી હરાવી જીત મેળવી હતી.તેમજ અંડર-11 બોયઝ સિંગલ્સ ફાઈનલમાં પશ્ચિમ બંગાળના રાજદીપ બિસ્વાસે કર્ણાટકના અર્ણવ મિથુનને 3-2થી હરાવ્યો હતો. જ્યારે ગર્લ્સ ફાઈનલમાં મહારાષ્ટ્રની આધ્યા બાહેટીએ કર્ણાટકની શક્સ્યા સંતુશને 3-1થી હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને 12 ગોલ્ડ ,12 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂ. 10 લાખ સુધીના પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. સમાપન પ્રસંગે સાંસદ ડૉ.હેમાંગ જોષી, શહેર ભાજપ પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોની, મ્યુ. કમિ. અરુણ મહેશ બાબુ, ગતિશક્તિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.મનોજ ચૌધરી, ઓર્ગેનાઈઝિંગ ચેરપર્સન જયાબેન ઠક્કર , ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી કલ્પેશ ઠક્કર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.