વડોદરા, ૮૨ વર્ષના વૃદ્ધાને મદદ કરવાના બહાને લઇ જઇ તેમના ગળામાંથી સોનાનું ડોકિયું તોડીને ભાગી જનાર પ્રૌઢ વયની મહિલાને ડીસીબી પોલીસે ઝડપી પાડી છે.
માંજલપુરમાં સન સિટિ સર્કલ પાસે નિર્માણપાર્ક સોસાયટીમાં રહેતા ૮૨ વર્ષના ઉમલાબેન પ્રમોદકુમાર સોલંકી ગઈકાલે માંજલપુર સ્મશાન રોડ પર આવેલા મંગલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. ઉમલાબેન દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે ૩૫ વર્ષની એક મહિલા તેમને મળી હતી અને કહ્યું કે, માજી હું તમને રિક્ષામાં તમારે ઘરે મૂકી જઈશ. તેવું કહી તેઓને મંદિરની બહાર લઈ આવી હતી.
વરસાદ ચાલુ હોવાથી રિક્ષા નહીં મળતા ઉમલાબેનનો હાથ પકડીને મહિલા તેઓને ચાલતા લઈ ગઈ હતી. થોડે દૂર જઈને ઉમલાબેનને પાળી પર બેસાડી મહિલાએ કહ્યું કે, માજી એકલા હોય ત્યારે ગળામાં સોનાની વસ્તુઓ પહેરવી નહીં. ત્યારબાદ અચાનક આ મહિલા ઉમલાબેન સાથે ઝપાઝપી કરી બે તોલા વજનનું સોનાનું ડોકિયું તોડીને ભાગી ગઈ હતી. દરમિયાન ડીસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે માંજલપુર પંચશીલ ગ્રાઉન્ડ પાસેથી મંજુલાબેન અરવિંદભાઇ માળી (રહે. સાંઇનાથ નગર, દરબાર ચોકડી, માંજલપુર) ને ઝડપી પાડી હતી. પોલીસે તેની પાસેથી ડોકિયું કબજે કર્યુ છે.