વડોદરાઃ ગુજરાતી ફિલ્મોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોથી વધી છે.મોટાભાગની ફિલ્મો હવે શહેરી દર્શકોને કેન્દ્રમાં રાખીને બનાવાય છે.આમ છતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અપેક્ષા પ્રમાણે દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવવામાં સફળ થઈ નથી.ગુજરાતી ફિલ્મો અંગે દર્શકોની પસંદ અને નાપસંદ જાણવા માટે એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના એમબીએના વિદ્યાર્થી રાહિલ સોનીએ ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક સ્મિતા ત્રિવેદીના હાથ નીચે માટે એક સર્વે કર્યો હતો.
આ સર્વેમાં રાહિલ સોનીએ ૧૬૦ લોકોને સામેલ કર્યા હતા.જેમાંથી ૫૬ ટકા લોકો ૧૫ થઈ ૨૪ વર્ષની વયજૂથના તેમજ ૨૩ ટકા લોકો ૨૫ થી ૩૪ વર્ષની વયજૂથના હતા.૧૬૦ પૈકીના ૬૧ ટકા લોકો ૫૦૦૦૦ કે તેનાથી વધારે માસિક આવક ધરાવતા હતા.
આ સર્વેમાં લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કયા કારણસર તમે ગુજરાતી ફિલ્મો જોવાનું ટાળો છો? જેના જવાબમાં ૧૨ ટકાએ ટિકિટની ઉંંચી કિમતને જવાબદાર ઠેરવી હતી. ૩૭ ટકાએ ઓટીટી પ્લેટફોર્મના કારણે ઘરે આરામથી ફિલ્મ જોવાનું ગમે છે તેમ કહ્યું હતું.૧૮ ટકાએ એવું કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મો જોવા લાયક નથી હોતી.રાહિલ સોની અને તેના ગાઈડ સ્મિતા ત્રિવેદીનું કહેવું છે કે, લોકોને કોમેડી શૈલીની ગુજરાતી ફિલ્મો સૌથી વધારે પસંદ છે.ઉપરાંત લોકોને લાગે છે કે, મોટાભાગે ગુજરાતી ફિલ્મોની વાર્તા નબળી હોય છે અને મોટા પડદાના કદ પ્રમાણેની પણ નથી હોતી.આ બાબતોને ગુજરાતી ફિલ્મ સર્જકોએ ધ્યાનમાં લેવાની જરુર છે તેવુ સર્વેમાં લોકોએ જે અભિપ્રાય આપ્યા તેના આધારે લાગે છે.
૪૫ ટકા લોકો વર્ષમાં એક કે બે વખત ગુજરાતી ફિલ્મો જોવા જાય છે
સવેમાં લોકોએ ગુજરાતી ફિલ્મો અંગે શું કહ્યું
–૪૫ ટકા લોકો ગુજરાતી ફિલ્મો વર્ષે એક કે બે વખત, ૩૪ ટકા બે થી ત્રણ મહને એક વખત, ૧૦ ટકા લોકો દર મહિને થિયેટરમાં જોવા જાય છે.દર સપ્તાહે ગુજરાતી ફિલ્મ જોનારાની સંખ્યા ૨.૫ ટકા અને ક્યારેય નહીં જોનારા દર્શકોની સંખ્યા ૬ ટકા છે.
–૩૭ ટકા લોકોને સોશ્યલ મીડિયા થકી, ૧૪ ટકા લોકોને અખબારો અને ટીવી થકી, ૨૨ ટકા લોકોને અન્ય લોકોની પ્રશંસા થકી, ૧૭ ટકા લોકોને થિયેટરોમાં લાગેલા પોસ્ટરો થકી ગુજરાતી ફિલ્મોની જાણકારી મળે છે.
-૬૦ ટકા વડોદરાવાસીઓનું કહેવું છે કે, ગુજરાતી ફિલ્મોનું કદ મોટા પડદાને અનુરુપ નથી હોતું.
–૪૬ ટકા લોકો ગુજરાતી ફિલ્મો સાથે ભાવનાત્મક લગાવ અનુભવે છે.૪૦ ટકા લોકો અમુક અંશે આ પ્રકારની લાગણી ધરાવે છે.
–ગુજરાતી ફિલ્મો જોવા માટે ૩૫ ટકા લોકો મોટાભાગે અને ૬૮ ટકા લોકો ક્યારેક ઓનલાઈન રિવ્યૂ પર આધાર રાખે છે.૮ ટકા લોકો ફિલ્મ જોતા પહેલા ઓનલાઈન રિવ્યૂ જોતા નથી.
ગુજરાતી ફિલ્મો માટે લોકોના વિવિધ સૂચનો
રાહિલ સોનીએ સર્વેમાં સામેલ દરેક વ્યક્તિની સાથે વાતચીત પણ કરી હતી અને તેમાં લોકોએ વિવિધ સૂચનો કર્યા હતા.જેમ કે
–ગુજરાતી ફિલ્મોને ટેક્સ ફ્રી કરવામાં આવે.
–ગુજરાતી ફિલ્મોનું વ્યાપક સ્તર પર પ્રમોશન અને માર્કેટિંગ કરવામાં આવે.
–નવા ચહેરા અને નવતર પ્રકારની પટકથાઓને સર્જકો મહત્વ આપે છે. ૬ થી સાત જ અભિનેતાઓ ફિલ્મોમાં છાશવારે જોવા મળે છે.
–થિયેટરમાં રિલિઝ થયાના ૩૦ દિવસ બાદ ઓટીટી પર ફિલ્મ રિલિઝ થવી જોઈએ
–ફૂડ અને ટિકિટ કોમ્બો, ડિસ્કાઉન્ટ, લોયલ્ટી કાર્ડ જેવા નવતર પ્રયોગો દર્શકોને આકર્ષવા થવા જોઈએ
–દર્શકોના સતત ફિડબેક લેવા જરુરી
કઈ શૈલીની ફિલ્મો દર્શકોને વધારે ગમે છે
કોમેડી ૩૦ ટકા
રોમાન્સ ૨૦ ટકા
સામાજિક મુદ્દાઓ ૧૬ ટકા
થ્રિલર ૧૨ ટકા
ઐતિહાસિક ૯ ટકા
ડ્રામા ૭ ટકા
થિયેટર સુધી લાવવા કયા પરિબળો લોકો માટે મહત્ત્વના
સારી સ્ટોરી અને શૈલી ૮૦ ટકા
જાણીતા એકટર ૪૮ ટકા
રિવ્યૂ અને હાઈપ ૪૮ ટકા
મિત્રો પરિવારનો અભિપ્રાય ૬૧ ટકા
થિયેટરનો અનુભવ ૨૮ ટકા
ટેક્સ ફ્રી ફિલ્મ ૮ ટકા
એક મોટો વર્ગ ગુજરાતી ફિલ્મો જોવા માગે છે
સર્વે કરનાર રાહિલ સોની પોતે પણ ફિલ્મ મેકર છે.તેણે શોર્ટ ફિલ્મો બનાવી છે.તેનું કહેવું છે કે, ગુજરાતી દર્શકોનો એક વર્ગ એવો પણ છે જે સાંપ્રત સમાજને અનુરુપ અને નવતર વિષયો તેમજ સારી પટકથા અને ગુણવત્તાસભર ગુજરાતી ફિલ્મોને જોવા માટે તૈયાર છે પણ મને એવું લાગે છે કે, ઘણા ગુજરાતી સર્જકો વિદેશી ફિલ્મોમાંથી પ્રેરણા લે છે અને તે દર્શકોને ભાવનાત્મક રીતે પોતાની સાથે જોડી નથી શકતી.કેટલાક સર્જકોને લાગે છે કે, અમે સારી ફિલ્મો બનાવીએ છે પણ દર્શકોને તેની ખબર પડતી નથી.