વડોદરા,ગોત્રી ગામ ખાતે રહેતા અને જમીન, મકાન લે વેચનું કામ કરતા બ્રોકરે દેવુ વધી જતા ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના ગોત્રી ગામ કડવા શેરીમા રહેતા નિલેશભાઈ રતિલાલ બારોટ ( ઉં.વ.૫૩) મકાન લે-વેચનું કામ કરતા હતા.તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. શુક્રવારે સાંજે નિલેશભાઈનો પુત્ર તેમને ન્યુ અલકાપુરી પ્રમુખ દર્શન સોસાયટીમાં આવેલી ઓફિસમાં મૂકીને ગયો હતો. થોડા સમય પછી પુત્રે વારંવાર કોલ કરવા છતા નિલેશભાઈએ ફોન રિસિવ કર્યા ન હતા. જેથી, પુત્રને શંકા જતા તે તરત ઓફિસે પહોંચી ગયો હતો. તેણે બારીમાંથી જોયું તો નિલેશભાઇએ ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેણે ઓળખીતા વ્યક્તિને ફોન કરીને બોલાવીને દરવાજો તોડયો હતો. પિતાને નીચે ઉતારી તે સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, પિતાનો જીવ બચી શક્યો નહતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લક્ષ્મીપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને એક અંતિમ ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે, મારા ઘણુ દેવું વધી ગયું છે, મારે રૃપિયા આપવાના બાકી છે પરંતુ મારી રૃપિયા નથી. હવે મારાથી મેનેજ થાય તેવું નથી.ઉલ્લેખનીય છે કે, બે મહિના પછી તેમની પુત્રીના લગ્ન થવાના હતા.