CJI BR Gavai: દિલ્હીમાં વરસાદ બાદ સર્જાતી સ્થિતિ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ઝાટકણી કરી હતી. આ મામલે ચાલતી સુનાવણીમાં તેમણે ટિપ્પણી કરી હતી કે, ‘તમે જાણો છો કે દિલ્હીમાં શું થાય છે. બે કલાક પણ વરસાદ પડે તો પણ આખું શહેર લકવાગ્રસ્ત બની જાય છે. ટ્રાફિક જામની સમસ્યા ગંભીર છે.’ કેરળ હાઈકોર્ટે હાઈવેની ખરાબ હાલતના કારણે ટોલ ટેક્સ વસૂલવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ચુકાદાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
દિલ્હીમાં વરસાદથી શહેર લકવાગ્રસ્ત: ચીફ જસ્ટિસ
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેરળના એક હાઈવે પર 12 કલાક સુધી થયેલા ટ્રાફિક જામ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘જો કોઈ વ્યક્તિને એક બાજુથી બીજી બાજુ સુધી પહોંચવામાં 12 કલાકનો સમય લાગે, તો તે ટોલ કેમ ચૂકવે.’ આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ રસ્તાનો એક વીડિયો રજૂ કર્યો હતો. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘ચોમાસામાં દરિયાકાંઠાના વિસ્તારની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે.’ તો આ કેસમાં હાજર એક વકીલે સુપ્રીમ કોર્ટના ઇ ગેટનો ઉલ્લેખ કર્યો હતો કે અહીં હંમેશા ટ્રાફિક રહે છે. વકીલોને કોર્ટ પહોંચવામાં એક કલાક લાગે છે.
રસ્તા પર ટ્રાફિક જામનો કર્યો ઉલ્લેખ
જો કે, સુપ્રીમ કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની અરજી મુદ્દે કેરળ હાઈકોર્ટનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સોમવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે ગત સપ્તાહે આ હાઈવે 12 કલાકથી વધુ સમય સુધી જામ ટ્રાફિકનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. જસ્ટિસ ચંદ્રને NHAIને કહ્યું કે, ‘તમે ગઈકાલનું અખબાર જોયું હશે. 12 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો.’
ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ‘એ એક્ટ ઓફ ગૉડ હતું. એક લૉરી પડી ગઈ હતી.’ આ અંગે જસ્ટિસ ચંદ્રને કહ્યું કે, ‘લૉરી આપમેળે પડી નથી. તે એક ખાડામાં પડી ગઈ.’ જસ્ટિસના આ અંગે સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, ‘NHAIએ આવા સ્થળો પર વૈકલ્પિક રસ્તા તરીકે સર્વિસ રોડનું નિર્માણ કર્યું છે, જ્યાં અંડરપાસનું બાંધકામ થઈ રહ્યું છે. વરસાદના કારણે બાંધકામ કાર્ય પ્રભાવિત થયું છે.’
NHAIની દલીલો પર આકરી ઝાટકણી
આ દલીલો દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું કે, ‘હાઈવેના 65 કિમીના આ હિસ્સા માટે કેટલો ટોલ વસૂલવામાં આવે છે?’ જેનો જવાબ મળ્યો કે, ‘રૂ. 150.’ આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘જો કોઈ વ્યક્તિને રસ્તાના એક છેડા પરથી બીજા છેડા સુધી પહોંચવા માટે રૂ. 12 કલાકનો સમય લાગે છે. તો તેણે રૂ. 150 શા માટે ચૂકવવા જોઈએ? જે રસ્તો ક્રોસ કરવામાં એક કલાકનો સમય થાય, તેને ક્રોસ કરવામાં 11 કલાક થઈ રહ્યા છે. તેમાં તેમણે ટોલ પણ ચૂકવવો પડે છે.’
ચીફ જસ્ટિસના આ નિવેદન અંગે મહેતાએ જણાવ્યું કે, ‘એક નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના મામલામાં ટોલ રદ કરવાના બદલે તેમાં ઘટાડો થવો જોઈએ.’ ત્યારે જસ્ટિસ ચંદ્રને ટિપ્પણી કરી કે, ‘12 કલાકના ટ્રાફિક જામ માટે નેશનલ હાઈવેએ મુસાફરોને કંઈક વળતર આપવું જોઈએ. જો ટ્રાફિક ન હોય, તો રસ્તા પરથી પસાર થવામાં વધુમાં વધુ એક કલાક લાગશે. જો ટ્રાફિક હોય, તો વધુમાં વધુ ત્રણ કલાક લાગશે. 12 કલાક માટે પ્રમાણસર ઘટાડાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.’