– ભાજપની સામે જ ભાજપ અને અપક્ષ મેદાને
– પ્રમુખ કામકાજમાં સંકલન કરતા નથી, લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યાનો દરખાસ્તમાં આક્ષેપ
નડિયાદ : ભાજપ શાસિત ચકલાસી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ વાઘેલા સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. ઉપપ્રમુખ અમિતભાઈ પટેલે પ્રમુખ સામેની દરખાસ્તની ચર્ચા માટે તા. ૨૬મી ઓગસ્ટે સામાન્ય સભા બોલાવી છે. ભાજપના કાઉન્સિલરો અપક્ષના સમર્થનથી ભાજપના પાલિકા પ્રમુખ સામે પ્રસ્તાવ લાવતા મામલો ગરમાયો છે.
ચકલાસી નગરપાલિકાના ઉપપ્રમુખ અમિત પટેલે તમામ સભ્યો અને ચીફ ઓફિસરને નોટિસ પાઠવી છે. જેમાં પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવા માટે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. તા. ૨૬ ઓગસ્ટના રોજ સવારે ૧૨ઃ૩૦ કલાકે નગરપાલિકાના સભાખંડમાં સભા યોજાશે. અગાઉ, ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સભ્યોનો આક્ષેપ છે કે, પ્રમુખ કામકાજમાં સંકલન કરતા નથી, પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને વિકાસના કાર્યોનું કોઈ આયોજન કરતા નથી. આ કારણોસર ૧૨ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ભાજપના જ સભ્યો, અપક્ષમાંથી ભાજપમાં ગયેલા સભ્યો અને અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે. નોટિસની નકલ મામલતદાર, નગરપાલિકા ચકલાસી અને ચીફ ઓફિસરને પણ મોકલવામાં આવી છે. આ ઘટના બાદ હવે સૌની નજર તા. ૨૬ ઓગસ્ટની સભા પર છે. અગાઉ આ મામલે ચકલાસી નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ પ્રમુખને પત્ર લખ્યો હતો અને ૨૨ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત માટે માંગણી કરી હોવાથી ૧૫ દિવસમાં સામાન્ય સભા બોલાવવાનો ઉલ્લેખ કર્યો હતો. હવે સામાન્ય સભા યોજાયા બાદ જ આગામી નિર્ણય થશે.