– શ્રીસરકાર થયેલી જમીન પર ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટ, તાજીયા કમિટી, ગેરેજ, ફર્નિચરની દુકાનોના દબાણો
– સવારે 8 કલાક સુધીમાં બિનઅધિકૃત કબજો છોડી દેવો પડશે, પ્રતિ દબાણકર્તા પાસે રૂા. 250 નો દંડ વસૂલવા હુકમ
ભાવનગર : શહેરના નવાપરામાં શ્રીસરકાર થયેલી જમીન ઉપર ખડકાયેલા દબાણોને હટાવવા માટે સરકારી તંત્રએ અંતિમ તૈયારીઓ કરી લીધી છે. સાડા દસ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ઉપર ૨૭ દબાણકર્તાએ કરેલા દબાણો ઉપર આગામી બુધવારે સરકારનું બુલડોઝર ફેરવી દઈ જમીન ખુલ્લી કરવામાં આવશે.
શહેરના વોર્ડ-૩/અ, શીટ નં.૩૩, સિટી સર્વે નં.૭૬૧૯ પૈકીની ૩૫૦૦.૦૦ ચો.મી. જમીન (કુલ અંદાજીત બજાર કિંમત રૂા.૧૦.૫૦ કરોડ) શ્રીસરકાર હોય, હાલ આ કરોડો રૂપિયાની જમીન ઉપર ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટ્ર, સુન્ની મુસ્લિમ હુસૈની યંગ તાજીયા કમિટી, દરગાહ, મોટર-ઓટો ગેરેજો, જંપર રિપેરીંગ, સાઈકલ રિપેરીંગ, ફર્નિચરની દુકાનો સહિત આડેધડ ૨૭ દબાણો કરી દબાણકર્તાઓએ સરકારી જમીન હડપ કરી રાખી છે. અગાઉ સિટી સર્વે કચેરી દ્વારા નોટિસ ફટકાર્યા બાદ હવે આ દબાણોને ખુલ્લા કરવા માટે તમામ ૨૭ દબાણકર્તાઓએ તા.૨૦-૮ને બુધવારે સવારે ૮ કલાક સુધીમાં પોતાનો માલ-સામાન લઈ બિનઅધિકૃત કબજાને છોડી દેવા અને દબાણ ઉપજદંડની પ્રતિ દબાણકર્તા પાસે રૂા.૨૫૦ વસૂલવા તેમજ વોર્ડ નં.૩/અના મેન્ટેનન્સ સર્વેયરે કબજો ખુલ્લો કરવાની ખાતરી કરી રિપોર્ટ કરવા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ શિવાંગી ખરાડીએ હુકમ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, આ જમીન માટે છેલ્લા અઢી દાયકા કરતા પણ વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને આ મામલો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સ્થાનિક કોર્ટોમાં પહોંચ્યો હતો.
જૂના કબ્રસ્તાનમાં દફનવિધિ શરૂ કરવા કલેક્ટરને રજૂઆત
નવાપરામાં કબ્રસ્તાનવાળી જમીનમાં દબાણો કરી લાખો રૂપિયાના ભાડા વસૂલવામાં આવી રહ્યા છે. આ જૂનું કબ્રસ્તાન હાલ બંધ હાલતમાં છે. ત્યારે અહીં દફનવિધિ ફરી શરૂ કરવા તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ભાવનગર કલેક્ટર હોવા અંગે હાઈકોર્ટના તા.૨૦-૭-૧૯૬૧ના હુકમની અમલવારી કરવા મ્યુનિ.ના નિવૃત્તિ કર્મચારી એ.એચ.પઠાણે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.
સિવિક સેન્ટર માટે મ્યુનિ.ની જગ્યાની માંગણી
ભાવનગર મહાનગરપાલિકાએ સિટી સર્વે નં.૭૬૧૯ પૈકીવાળી મિલકતમાં સિવિક સેન્ટર બનાવવા કલેક્ટર પાસે જગ્યાની માંગણી કરી હતી. જેના આધારે મેન્ટેનન્સ સર્વેયરે ગત તા.૧૬-૪-૨૦૨૫ના રોજ સ્થળ તપાસ કરતા બિનઅધિકૃત કબજો એટલે કે દબાણ હોવાનો અહેવાલ/રોજકામ કર્યું હતું. જે અન્યવે લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ હેઠળ ૨૭૭ દબાણકર્તાને ગત તા.૨૩-૪ અને તા.૨૮-૪થી નોટિસો બજાવવામાં આવી હતી. નોટિસો સામે વાંધા રજૂ કરવા પક્ષકારો હાજર તો રહ્યા હતા. પરંતુ કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા.