– અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનની ભારતને રાહત
– નિકાસ અવરોધો દૂર થતાં ભારતમાં ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ઉત્પાદનમાં તેજીની સંભાવના
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખ્યો છે. ટ્રમ્પની આ મનમાની વિરુદ્ધ ભારત અને ચીન નજીક આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતના બે દિવસના પ્રવાસે છે ત્યારે જ ભારતને રાહત આપતા ચીને રેર અર્થ, ખાતર અને ટનલ બોરિંગ મશીનોની ભારતમાં નિકાસ પરના નિંત્રણો હટાવી લીધા છે અને નિકાસ શરૂ કરી છે. વાંગ યીએ કહ્યું કે, ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર તરીકે જોવા જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન હિંસા પછી લગભગ સાત વર્ષે ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ પહેલાં બંને દેશના વિદેશ મંત્રીઓની મુલાકાત ભારત-ચીનના સંબંધોમાં સુધારાના સંકેત આપી રહી છે.
ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે બેઠક થઈ ત્યારે ભારતે રેર અર્થ, ખાતર અને બોરિંગ મશીનોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માગ કરી હતી. વાંગ યીએ જયશંકરને આશ્વાસન આપ્યું છે કે ચીને આ વસ્તુઓના સંબંધમાં ભારતમાં નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ મુજબ ભારતને આ વસ્તુઓની શિપમેન્ટ પહેલા જ શરૂ કરી દેવાઈ છે અને હવે ચીનના વિદેશ મંત્રીએ પણ આ બબાત સ્પષ્ટ કરી દીધી છે.
જયશંકર સાથેની બેઠકમાં વાંગ યીએ કહ્યું કે, ચીન અને ભારતના સંબંધો સહકાર તરફ પાછા ફરી રહ્યા હોવાના સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ચીન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના ૭૫ વર્ષની આ વર્ષે ઊજવણી થઈ રહી છે. બંને દેશોએ પારસ્પરિક આદર અને વિશ્વાસ સાથે સહઅસ્તિત્વ માટે યોગ્ય માર્ગે આગળ વધવું જોઈએ. બંને દેશોએ અવરોધો દૂર કરીને આત્મવિશ્વાસ સાથે એક જ દિશામાં આગળ વધતા દ્વિપક્ષીય સંબંધોમાં સુધારા માટે સહકાર વધારવો જોઈએ. આ સાથે અમેરિકાની ટીકા કરતા વાંગ યીએ કહ્યુ કે, દુનિયામાં એકપક્ષીય ગુંડાગીરી બેફામ બની છે ત્યારે વિશ્વ બદલાઈ રહ્યું છે અને પરિસ્થિતિઓ પણ બદલાઈ રહી છે.
ટ્રમ્પના ટેરિફ પછી ચીને આખી દુનિયામાં રેર અર્થ મિનરલ્સનો પુરવઠો રોકી દીધો હતો. પાછળથી રવી મોસમમાં સ્પેશિયલ ખાતરનો પુરવઠો પણ રોકી દેવાયો હતો. ત્યાર બાદથી તેનો પુરવઠો ફરી શરૂ કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા હતા. હવે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની મુલાકાત પછી ચીને આ સપ્લાય શરૂ કરી દીધો છે.
અગાઉ, ઓટો અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોએ દુર્લભ હળવા ચુંબકો અને ખનીજો પર ચીનના પ્રતિબંધો અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ વસ્તુઓના અભાવમાં ઓટો અને ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદન પર વિપરિત અસર પડી હતી. ઈલેક્ટ્રિક વ્હિકલ, ડ્રોન અને બેટરી સ્ટોરેજ સહિત હાઈ-એન્ડ ટેક્નોલોજી ઉત્પાદનો માટે પણ રેર અર્થ ખનીજો ખૂબ જ જરૂરી છે. કોરોના મહામારી અને ગલવાન હિંસા પછી ભારત અને ચીન વચ્ચે સંબંધો તાજેતરના સમયમાં એકદમ તળીયે ગયા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે.
રેર અર્થ મિનરલ્સ ૧૭ ખનીજ તત્વોનું એક જૂથ છે, જેમાં ૧૫ લૈંથેનાઈડ્સ છે અને આ સિવાય સ્કેંડિયમ અને યેટ્રિયમનો પણ સમાવેશ થાય છે. આ એવા ચુંબકીય તત્વ છે, જેનો ઉપોયગ કરા, ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો અને અન્ય વસ્તુઓમાં થાય છે. આ ચુંબક વિના આ વસ્તુઓનું ઉત્પાદન કરવું મુશ્કેલ છે. ચીન રેર અર્થના ૬૫ ટકા ઉત્પાદન કરે છે, પરંતુ વૈશ્વિક સ્તર પર ૯૦ ટકા કંટ્રોલ કરે છે, જેનું કારણ રેર અર્થનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ તેની પાસે છે.
વાંગ યી સાથે બેઠક પછી જયશંકરે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે. હવે બંને દેશોએ આગળ વધવું જોઈએ. તે માટે બંને પક્ષો તરફથી એક સ્પષ્ટ અને રચનાત્મક દૃષ્ટિકોણની જરૂર છે.
પૂર્વીય સરહદો શાંત હોવાથી ચીન સાથેના સંબંધો સુધર્યા : ડોભાલ
નવી દિલ્હી : પૂર્વીય લદ્દાખથી અરૂણાચલ સુધી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર છેલ્લા નવ મહિનાથી શાંતિ પ્રવર્તતી હોવાથી ભારત અને ચીનના સંબંધો સુધર્યા છે તેમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મંગળવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત પછી જણાવ્યું હતું. નવી દિલ્હી ખાતે હૈદરાબાદ હાઉસમાં થયેલી આ મુલાકાત સરહદ વિવાદ પર ૨૪મા તબક્કાની વાટાઘાટો હતી. ડોભાલે કહ્યું ગયા વર્ષે કઝાનમાં પીએમ મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠક પછી ભારત અને ચીનના સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે અને સરહદો પર શાંતિ છે. બંને દેશના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થયા છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં કઝાનમાં નવી દિશાની શરૂઆત કરી ત્યારથી બંને દેશોને ઘણો લાભ થયો છે. આ વર્ષે ભારત અને ચીનના રાજદ્વારી સંબંધોને ૭૫ વર્ષ થયા હોવાની બાબત પર પ્રકાશ પાડતા ડોભાલે કહ્યું કે, આ ઊજવણીનો સમય છે. આ નવી ઊર્જા અને નવી ગતિ સાથે તમારા વ્યક્તિગત પ્રયત્નો અને અમારી રાજકીય ટીમો, રાજદૂતો અને સરહદો પર તૈનાત આપણા સૈન્યની પરિપક્વતા અને જવાબદારીની ભાવના સાથે આપણે આ કરી શક્યા છીએ.