– લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું
– વળતર પેટે રૂા. 50 હજાર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો
વડોદરા : સગીર કિશોરીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી અદાલતે આરોપીને ૨૦ વર્ષની સજા તેમજ રૂા.૫૦ હજારનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, અજય અલ્પેશભાઇ તડવી (રહે. જગમાલનીપોળ, વડોદરા) નામનો શખ્સ તા.૮ એપ્રિલ ૨૦૨૧ના રોજ સગીર કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનારી સગીર કિશોરીની નાનીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની દીકરીની સગીર દીકરી તેમની સાથે રહેતી હતી અને તેને લગ્નની લાલચ આપી આરોપી ભગાડી ગયો હતો. આરોપીએ કિશોરીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકાર તરફે એડવોકેટ પી.સી.પટેલ હાજર રહ્યાં હતા. આ કેસમાં ૧૩ સાક્ષી તેમજ ૩૨ દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતા. બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાને ધ્યાને રાખી ન્યાયાધીશે આરોપીને ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.