મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની કામગીરી નબળી જોવા મળી છે. મંદ માગને કારણે કંપનીઓની આવક વૃદ્ધિ અનેક ત્રિમાસિક ગાળાની નીચી સપાટીએ રહી છે. કંપનીઓની કામગીરીમાં સુધારો નજીકના ભવિષ્યમાં નજરે પડતો નહીં હોવાનું પણ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે જીએસટીના દરમાં ઘટાડાથી કામગીરીમાં સુધારો જોવા મળવા અપેક્ષા રાખવામાં આવી રહી છે.
નિફટી૫૦માંની ઊર્જા, બેન્કિંગ, નાણાં તથા વીમા ક્ષેત્ર સિવાયની ૩૫ કંપનીઓનું નેટ વેચાણ જૂન ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૬.૬૦ ટકા વધ્યું છે જે સપ્ટેમ્બર, ૨૦૨૪ ત્રિમાસિક બાદ સૌથી નીચી વૃદ્ધિ છે.
નેટ પ્રોફિટ ૫.૩૦ ટકા વધ્યો છે જે નવ ત્રિમાસિકા ગાળાની નીચી સપાટીએ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. કાર્યકારી નફો ૭.૧૦ ટકા વધ્યો છે.
આવી જ સ્થિતિ નિફટી૫૦૦ કંપનીઓમાંની ૩૯૦ કંપનીઓમાં જોવા મળી છે. આ કંપનીઓની આવક વૃદ્ધિ ઘટી ત્રણ ત્રિમાસિકની નીચી સપાટીએ રહી છે જ્યારે નેટ પ્રોફિટમ ગ્રોથ નવ ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યો છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં કન્ઝયૂમર ગુડસ કંપનીઓના વોલ્યુમ વૃદ્ધિ સ્થિર રહી હતી અને કાચા માલના ઊંચા ભાવને કારણે તેમની નફાશક્તિ પર અસર પડી હતી, જોકે સરકાર દ્વારા જીએસટી દરમાં ઘટાડો કરવાની દરખાસ્તથી માગમાં વધારો થવાની અને કંપનીઓની આવક વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
જીએસટી દરમાં જો ઓકટોબરથી ઘટાડો કરાશે તો તેની પોઝિટિવ અસર વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિનાના પરિણામો પર જોવા મળશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વિવેકાધીન ખર્ચમાં લાંબા ગાળાની ધીમી ગતિ, બૃહદ આર્થિક અનિશ્ચિતતા તથા કલાયન્ટસ દ્વારા નિર્ણય લેવામાં ઢીલને પરિણામે આઈટી કંપનીઓની નફાશક્તિ દબાણ હેઠળ આવી ગઈ છે. જ્યારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં સ્થિતિ હાલમાં પ્રોત્સાહક જોવા મળી રહી છે.