વડોદરા,શુક્રવાર : ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા તત્વમ નોલેજ
ઇન્સ્ટિટયુટ નામના ટયુશન ક્લાસમાં જતો વિદ્યાર્થી બે દિવસ ગેરહાજર રહેતા ટયુશન
ક્લાસના સંચાલક અને શિક્ષકે વિદ્યાર્થીને કાન પર લાફા મારી કાનનો પડદો તોડી નાંખ્યો હતો. આ અંગે જે તે સમયે ગોરવા
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં
ન્યાયાધીશે શિક્ષકને કસુરદાર ઠેરવી છ માસની સાદી કેદની સજા તેમજ ભોગ બનેલા
વિદ્યાર્થીને વળતર પેટે રૃા.૧ લાખ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, તેજસભાઇ ભટ્ટનો પુત્ર ઓમ વર્ષ ૨૦૧૯ની સાલમાં ધો.૧૦માં અભ્યાસ કરતો હતો અને તે
ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા તત્વમ નોલેજ ઇન્સ્ટિટયુટમાં ટયુશન ક્લાસમાં જતો હતો.
તા.૨૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઓમ ટયુશન ક્લાસમાં ગયો હતો અને તેણે ઘરે ફોન કર્યો હતો
કે, તે પરીક્ષાનું ફોર્મ ઘરે ભુલી ગયો છે
એટલે તે ટયુશન ક્લાસમાં આપી જાવ એટલે સાંજે ઓમના માતા-પિતા ફોર્મ આપવા માટે ટયુશન
ક્લાસમાં ગયા હતા.
તેઓ દાદર ચડી રહ્યાં હતા ત્યારે તેમણે કોઇ
વિદ્યાર્થીને લાફા મારવામાં આવતા હોવાનું અવાજ સાંભળતા તેઓ દોડીને ક્લાસમાં ગયા
ત્યારે ટયુશન ક્લાસના સંચાલક અને શિક્ષણ જશબિરસિંહ રાબીરસિંહ ચૌહણ પુત્ર ઓમને લાફા
મારી રહ્યાં હોવાનું જોયું હતું. પિતાએ કેમ મારા પુત્રને મારો છો ? તેમ કહેતા શિક્ષણ કે, સોરી કહ્યું હતું અને ત્યાર બાદ ઓમને
સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબે ઓમના કાનનો પડદો ફાટી ગયો
હોવાનું જણાવ્યું હતું.
બીજા દિવસે ઓમને ઓપરેશન થીએટરમાં લઇ
જવામાં આવ્યો હતો અને ફાટી ગયેલા પડદામાં પેચ મુકવામાં આવ્યો હતો. આ બનાવ અંગે
ગોરવા પોલીસ સ્ટેશનમાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ
અંગેનો કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપી જશબિરસિંહ ચૌહાણને છ માસની સજા અને એક હજાર
દંડ ફટકાર્યો હતો. અદાલતે કિશોર ન્યાય અધિનિયમની કલમ ૭૫ હેઠળ આરોપીને વળતર પેટે ૧
લાખ ચૂકવવાનો અને જો આ રકમ ચૂકવવામાં ન આવે તો વધુ છ માસની સાદી કેદનો આદેશ કર્યો
હતો.